દુનિયા પાસે 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જથ્થો, બધાની નજર હવે ભારત તરફ

May 22, 2022

દિલ્હી- યુરોપ માટે ઘઉંની બાસ્કેટ કહેવાતા યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ દુનિયામાં અન્ન સંકટ ઘેરુ બની રહ્યુ છે. હવે સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપતા કહ્યુ છે કે, દુનિયા પાસે માત્ર 70 દિવસ ચાલે તેટલો ઘઉંનો જથ્થો બચ્યો છે. 2008ના વર્ષ બાદ પહેલી વખત દુનિયામાં ઘઉંનો સ્ટોક આટલા નીચા સ્તરે છે.આ પ્રકારનુ સંકટ એક જનરેશનના સમયગાળામાં એક જ વખત જોવા મળતુ હોય છે.

દુનિયાની નજર હવે જાપાનમાં યોજાનારી ક્વાડ દેશોની બેઠક પર છે.જેમાં ભારત હાજરી આપવાનુ છે.આ બેઠકમાં ઘઉંનો મુદ્દો ચર્ચાઈ શકે છે. ભારતે ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધ બાદ દુનિયાના તમામ દેશો ટેન્શનમાં છે. સામાન્ય સંજોગોમાં દુનિયામાં 25 ટકા ઘઉં યુક્રેન અને રશિયા પૂરા પાડે છે અને પશ્ચિમના દેશોને ડર છે કે, પુતિન ઘઉંને હથિયાર તરીકે ઉપયોગમાં લેશે.રશિયામાં આ વખતે ઘઉંનુ મબલખ ઉત્પાદન થયુ છે અને પુતિન તેની નિર્યાત પર નિયંત્રો લાગુ કરી શકે છે.

બીજી તરફ ખરાબ હવામાનના કારણે અમેરકા અને યુરોપમાં ઘઉંના પાકને નુકસાન થયુ છે. આ દેશોને એવો પણ ડર છે કે, પુતિન યુક્રેનમાં કૃષિ ઉપકરણો નષ્ટ કરીને ત્યાંના ઘઉં સગેવગે પણ કરી રહ્યા છે. જેનાથી દુનિયાની ઘઉંની સપ્લાય ચેન ખોરવાઈ શકે છે. આ સંજોગોમાં ભારતે ઘઉંની નિકાસ પર મુકેલા નિયંત્રણોથી હાલત બગડી છે ત્યારે ક્વાડ બેઠકમાં અમેરિકન પ્રમુખ બાઈડન  ભારતના પીએમ મોદીને ઘઉંની નિકાસ માટે અનુરોધ કરે તેવી શક્યતા છે.