ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત, મહિલા ખેલાડીઓને પણ પુરૂષ ક્રિકેટરોના સમાન વેતન મળશે

July 05, 2022

મુંબઈ : ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટરોને હવે આંતરરાષ્ટ્રીય અને ટોપ લેવલ ડોમેસ્ટિક મેચો માટે પુરૂષ ક્રિકેટરોની સમાન વેતન મળશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, પ્રોફેશનલ મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન રમત માટે સમાન વેતન મળશે. તેના માટે 5 વર્ષની ડીલ કરવામાં આવી છે. જેમાં વ્હાઈટ ફર્નેસ અને સ્થાનિક મહિલા ખેલાડીઓને ODI, T20I, ફોર્ડ ટ્રોફી અને સુપર સ્મેશ સ્તર સહિત તમામ ફોર્મેટ અને સ્પર્ધાઓમાં પુરૂષો જેટલી મેચ ફી મળશે.

આ એગ્રીમેન્ટ ન્યુઝીલેન્ડમાં મહિલા ક્રિકેટરોને આપવામાં આવતા કરારની સંખ્યામાં પણ વધારો કરે છે અને ઉભરતા ખેલાડીઓ માટે ઉપલબ્ધ સ્પર્ધાત્મક મેચોની સંખ્યામાં વધારો કરે છે. વ્હાઈટ ફર્ન્સની કેપ્ટન સોફી ડેવિને કહ્યું હતું કે, આ એગ્રીમેન્ટ મહિલા ક્રિકેટ માટે ગેમ ચેન્જર હશે. ડેવિને કહ્યું હતું, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મહિલા ખેલાડીઓ માટે પુરૂષો સાથે સમાન એગ્રીમેન્ટમાં માન્યતા પ્રાપ્ત થવી ખૂબ જ સારી વાત છે.

- હવે મહિલા અને પુરૂષ ખેલાડીઓને આટલી ફી મળશે

ટેસ્ટ મેચ માટે 10,250 ડોલર ( લગભગ 8 લાખ રૂપિયા)

ODI મેચ માટે 4,000 ડોલર (લગભગ 3 લાખ 15 હજાર રૂપિયા)

T20I મેચ માટે 2,500 ડોલર ( લગભગ 2 લાખ રૂપિયા)

પ્લંકેટ શિલ્ડ માટે 1,750 ડોલર

ફોર્ડ ટ્રોફી/હેલિબર્ટન જોહ્નસ્ટોન શીલ્ડ સાથે મેચ કરવા માટે 800 ડોલર

સુપર સ્મેશ મેચો માટે 575 ડોલર