પ્લાસ્ટિકઃ જીવસૃષ્ટિ માટે સૌથી મોટો અભિષાપ

November 27, 2021

આજનો માણસ તેના જીવન દરમિયાન સરેરાશ 20 કિલો પ્લાસ્ટિક ખાઈ જાય છે
દુનિયામાં પ્રતિવર્ષ 500 અબજ પ્લાસ્ટિક બેગ ઉપયોગમાં લેવાય છે અને કોઈ પણ બેગનો સરેરાશ ઉપયોગ 15 મિનિટથી વધુ હોતો નથી અને તે સદીઓ સુધી કચરામાં પડી રહે છે
છેલ્લાં દોઢ બે દાયકામાં સમગ્ર વિશ્વ માટે પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે. આ પ્રદૂષણમાં પણ પ્લાસ્ટિકથી થતુ પ્રદૂષણ જીવસૃષ્ટિ માટે મોટો ખતરો છે. તાજેતરમાં નેશનલ જ્યોગ્રાફિકના એક અહેવાલમાં નોંધવામાં આવ્યુ છે કે, અત્યારે પ્લાસ્ટિકના પાંચ ટ્રિલિયન ટુકડા સમુદ્રની સપાટી પર તરી રહ્યા છે. એટલે ટૂંક સમયમાં જ એવું બની શકે કે, બગલો સમુદ્ર કિનારે ઊભા-ઊભા તપશ્ચર્યા કર્યા પછી ઝપટ મારે ત્યારે ચાંચમાં માછલીને બદલે પ્લાસ્ટિક આવી જાય. વર્તમાન સમયમાં પૃથ્વીને લાગેલો સૌથી મોટો કોઈ અભિશાપ હોય તો તે પ્લાસ્ટિક છે. પૃથ્વી પાસે કોઈ પણ કચરાના રિસાઈકલીંગની નેચરલ પ્રોસેસ છે. જંગલમાં કોઈ પ્રાણી મરી જાય તો તેનું શરીર સડવા લાગે છે, ગીધ તથા બીજા પ્રાણી-પક્ષીઓ તેને ખાઈ જાય છે. તે પછી જે ભાગ બચે છે તેને જંતુઓ આરોગી જાય છે, બાકીના ભાગનું બેકટેરિયા અને ફૂગ વિઘટન કરી નાખે છે. 
આ રીતે પ્રકૃતિ પોતાને સ્વચ્છ અને સંતુલિત રાખે છે પરંતુ પ્લાસ્ટિકને આ પ્રાકૃતિક વિઘટનની પ્રક્રિયા લાગુ પડતી નથી. જેમ ઊર્જાનો નાશ થતો નથી તેમ પ્લાસ્ટિકનો પણ નાશ થતો નથી. પૃથ્વી ઉપર પ્લાસ્ટિકના કચરાના ડુંગરા દિવસ રાત વધુને વધુ ઊંચા થતાં જાય છે. વેફરનું પેકેટ હોય કે બિસ્કિટનું, પાણીની બોટલ હોય કે કોલ્ડ્રીંક્સની, સમસ્ત વિશ્વમાં જેટલું પણ પ્લાસ્ટિક વપરાય છે તેમાંથી ૪૦ ટકા ઉત્પાદનોના પેકેજિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દર મિનિટે દસ લાખ કરતાં વધારે બેગ વેચાય છે. કોઈ પણ પ્લાસ્ટિક બેગ સરેરાશ ૧૫ મિનિટ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ તે કચરામાં જાય છે અને સદીઓ સુધી પૃથ્વી પરના કેન્સર તરીકે ક્યાંક ને ક્યાંક પડી રહે છે. 
છેલ્લી એક સદીમાં જેટલું પ્લાસ્ટિક ઉત્પાદિત કરવામાં આવ્યું છે તેમાંથી ૫૦ ટકા કરતા વધારે પ્લાસ્ટિક છેલ્લા ૧૦ વર્ષમાં બનાવવામાં આવ્યું છે. એકલા અમેરિકામાં સાલ ૨૦૧૪માં ૧૦૦.૭ અબજ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ થયો છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી કે બીજું કોઈ કોલ્ડ્રિંક પીવાના ગેરફાયદા વિજ્ઞાનીઓ હજાર વખત ગણાવી ચૂક્યા છે. પણ આ ઈન્ડસ્ટ્રી એટલી ક્રૂર અને એટલી નફાલાલસુ છે કે, ટનબંધ પ્લાસ્ટિક બોટલ સતત પેદા કરતી જાય છે. બોટલનું પાણી પીવાથી પ્લાસ્ટિકના કણો પેટમાં જાય છે. તો પણ લોકો હોંશે-હોંશે બોટલ ખરીદે છે. આ ઈન્ડસ્ટ્રી એટલી શક્તિશાળી છે કે, દુનિયાની કોઈ પણ સરકાર તેની વિરુદ્ધમાં નીતિઓ ઘડી શકતી નથી. 
પ્લાસ્ટિક ઓસન્સ નામની સંસ્થાના મતે આપણા સમુદ્રમાં દર વર્ષે ૧ કરોડ ટન પ્લાસ્ટિક ઠલવવામાં આવે છે. દર મિનિટે પ્લાસ્ટિકના કચરાના એકથી વધુ ટ્રક ભરાય છે. અત્યારે સમુદ્ર મંથન થાય તો પ્લાસ્ટિક સિવાય કશું મળે નહીં. દુનિયામાં ઉત્પાદિત થતા કુલમાંથી ૫૦ ટકા પ્લાસ્ટિક સીંગલ યુઝ હોય છે. બાકીના ૫૦ ટકામાંથી માત્ર ૯ ટકા જ પ્લાસ્ટિક રિસાઇકલ થાય છે. હજી બીજું ૪૧ ટકા પ્લાસ્ટિક રિસાઇકલ થઈ શકે એમ છે, પરંતુ થતું નથી. પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવું હોય તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન શૂન્ય કરવું પડે અને જેટલું પણ પ્લાસ્ટિક પેદા થાય તેને રીસાઇકલ કરવું પડે. ધ એલન મેક આર્થર ફાઉન્ડેશનના આંકડા પ્રમાણે ૨૦૫૦ સુધીમાં સમુદ્રમાં પ્લાસ્ટિકનો જથ્થો માછલીની વસ્તી કરતા પણ વધારે હશે. પ્લાસ્ટિકનો કચરો એટલો વધી ગયો છે કે, હવે તે માનવજીવમાં ખાનપાનમાં પણ આવવા લાગ્યો છે. એક માણસ તેના જીવનમાં ૨૦ કિલો પ્લાસ્ટિક ખાઈ જાય છે. દર વર્ષે ૧ કરોડ સમુદ્રી જીવો પ્લાસ્ટિકને કારણે મૃત્યુ પામે છે. નેશનલ જ્યોગ્રાફિકના અહેવાલ પ્રમાણે તો અત્યારે પ્લાસ્ટિકના પાંચ ટ્રીલીયન ટુકડા સમુદ્રની સપાટી પર તરી રહ્યા છે. દુનિયાભરના દરિયા કાંઠેથી જે કચરો મળી આવે છે તેમાંથી ૭૩ ટકા સીગરેટના ઠૂંઠા, બોટલ્સ, ઢાંકણા, રેપર, પ્લાસ્ટિક બેગ અને પોલિસ્ટીરીન કન્ટેનર હોય છે. ૧૯૫૦માં વિશ્વમાં પ્રતિવર્ષ ૨૦.૧૦ લાખ ટન પ્લાસ્ટિક ઉત્પાદિત થતું હતું. જયારે ૨૦૧૫ના આંકડા પ્રમાણે ૪૦.૬ લાખ ટન પ્લાસ્ટિક ઉત્પાદિત થાય છે. એટલે કે, ૨૦૫૦ સુધીમાં જગતના તમામ સમુદ્રી પક્ષીઓ પ્લાસ્ટિક ખાતા થઈ જશે. દર વર્ષે ૧૨ ટકા પ્લાસ્ટિક બાળી નાખવામાં આવે છે જે વાયુ પ્રદૂષણ સર્જે છે. ૭૯ ટકા પ્લાસ્ટિક દરિયામાં અથવા જમીનમાં ભંડારી દેવામાં આવે છે. વિશ્વમાં પ્રતિ મિનિટ ૧૦ લાખ પ્લાસ્ટિક બોટલ વેચાય છે. 
પ્લાસ્ટિકનો એક ટુકડો કમસેકમ ૪૫૦ વર્ષ સુધી પૃથ્વીને પ્રદૂષિત કરતો રહે છે. કોઈ રેસ્ટારામાંથી ઓર્ડર કરીને તમે પંજાબી ડિશ મગાવશો તો તે પ્લાસ્ટિકની થાળીમાં આવશે, પ્લાસ્ટિક પેકેજિંગનું આ એક ઉદાહરણ થયું. આવા તમામ પેકેજમાંથી એકનું પણ રિસાઇકલિંગ થતું નથી. હાલમાં સમુદ્રની ૭૦૦થી વધુ પ્રજાતિઓ પ્લાસ્ટિકગ્રસ્ત બની ગઈ છે. આથી હવે સી-ફુડ ખાવું પણ બિલકુલ હેલ્ધી ઓપ્શન રહ્યું નથી. દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ કરતી કંપનીઓને પણ ઓળખી લેવી જરૂરી છે. એકસોન મોબીલ અમેરિકાની બહુરાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની છે. દુનિયામાં કુલ જેટલો પ્લાસ્ટિકનો કચરો થાય છે તેમાંથી ૫.૯ ટકા આમાંથી આવે છે. ડાઉ અમેરિકાની એક રસાયણ અને પ્લાસ્ટિક નિર્માતા કંપની છે. વિશ્વના ૫.૬ ટકા પ્લાસ્ટિક કચરા માટે તે જવાબદાર છે. ચીનની સિનોપેક તેલ અને ગેસ કંપની ૫.૩ ટકા પ્લાસ્ટિક કચરા માટે જવાબદાર છે. થાઈલેન્ડની ઈન્ડોરામા વેન્ચર્સ કેમિકલ તથા ઉનના દોરા બનાવવાનું કામ કરે છે, તે વિશ્વનો ૪.૬ ટકા પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. આ ઉપરાંત સાઉદી અરામકો સાઉદી અરેબિયાની તેલ કંપની છે તે દુનિયાની સૌથી મોટી ખનિજ તેલ નિકાસકાર છે તે ૪.૩ ટકા પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. 
પેટ્રો ચાઈના ચીનની ઓઈલ અને ગેસ કંપની છે. તે જગતનું ૪ ટકા પ્લાસ્ટિક પેદા કરે છે. જયારે લાયનડેલ બેસેલ હોલેન્ડની બહુરાષ્ટ્રીય કંપની છે. તે ૩.૯ ટકા પ્લાસ્ટિક કચરો ઉત્સર્જિત કરે છે. બ્રાઝિલની બ્રાસ્કેમ પેટ્રોકેમિકલ કંપની દક્ષિણ અમેરિકામાં સૌથી મોટું નામ છે તે પૃથ્વી પર ૩ ટકા પ્લાસ્ટિક કચરો ઉત્સર્જિત કરે છે. આ બધા હાથીઓને અંકુશમાં લેવાની તાકાત દુનિયાની કોઈ સરકારમાં નથી. એટલે નાગરિકોએ સ્વયંમ જ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો જોઈએ. અથવા તો પ્લાસ્ટિકનો વપરાશ શક્ય એટલો ઘટાડવો. શાકવાળા પાસે કે શોપિંગ મોલમાંથી ચેકઆઉટ કરતી વખતે ક્યારેય પ્લાસ્ટિકની થેલી ન માગવી. હંમેશા શણની થેલી સાથે રાખવી અથવા ઘરના જૂના કપડામાંથી બનાવેલી થેલી સાથે રાખવી. સરકારની જવાબદારીએ છે કે તે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાવે. જેનું રિસાઇકલિંગ ન થઈ શકે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવે. અને સોએ સો ટકા પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ કરવામાં આવે. બે-ત્રણથી વધુ વખત રિસાઇકલિંગ પણ આરોગ્યપ્રદ નથી. ત્યારબાદ તેનું જૈવિક વિઘટન કરવું પડે. 
આપણા પૂર્વજોએ જૂના કપડામાંથી કે ચીજવસ્તુમાંથી અનેક વસ્તુ બનાવી તેનો ઉપયોગ કર્યો હતો. તેઅોઅે મુંગા મોઢે રિસાઇકલિંગ કરીને પ્રકૃતિનું જતન કર્યું છે. વિશ્વને જો બચાવવું હશે તો આપણે પણ તેમના જ રસ્તે ચાલવું પડશે.