ભાજપે નાણાકીય વર્ષ 2019-20ની સંપત્તિ જાહેર કરી, સંપત્તિનો આંકડો જાણશો તો રહી જશો દંગ, છે દેશનો સૌથી ધનવાન પક્ષ

January 29, 2022

ભાજપે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 4,847.78 કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ચૂંટણી સુધારાની તરફેણ કરનારા જૂથ એડીઆરે આ માહિતી આપી હતી. ભાજપ પછી માયાવતીના નેતૃત્વના બહુજન સમાજ પાર્ટી (બસપા) બીજા નંબરે છે, જેની જાહેર અસ્કયામતો માત્ર રૂ. 698. કરોડ છે. ત્રીજા નંબરે કોંગ્રેસ છે, જેની સંપત્તિ રૂ. 588.16 કરોડ છે. ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ 2019-20માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની સંપત્તિ અને જવાબદારીઓના તેના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. 

એડીઆરના વિશ્લેષણ મુજબ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષોની કુલ  જાહેર સંપત્તિ અનુક્રમે રૂ. 6,988.57 કરોડ અને રૂ. 2,129. કરોડ હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપ પાસે છે, જે રાષ્ટ્રીય પક્ષોની કુલ સંપત્તિમાં 69.37 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે રહેલ બસપાનો હિસ્સો 9.99 ટકા અને કોંગ્રેસનો હિસ્સો 8.42 ટકા જેટલો છે. એડીઆરના રિપોર્ટ મુજબ 44 પ્રાદેશિક પક્ષોમાંથી ટોચના 10 પક્ષોની સંપત્તિ રૂ. 2028.715 કરોડ હતી, જે પ્રાદેશિક પક્ષોની કુલ સંપત્તિના 95.27 ટકા જેટલી હતી. 

નાણાકીય વર્ષ 2019-20માં પ્રાદેશિક  પક્ષોમાં સમાજવાદી પક્ષ દ્વારા સૌથી વધુ સંપત્તિ જાહેર કરવામાં આવી હતી, જે રૂ. 563.47 કરોડ હતી. ત્યાર પછી ટીઆરએસે રૂ. 301.47 કરોડ અને અન્નાદ્રમુકે રૂ. 267.61 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.  નાણાકીય વર્ષ 2019-20માં પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલી કુલ સંપત્તિમાં ફિક્સ ડિપોઝીટ/એફડીઆરનો હિસ્સો સૌથી વધુ રૂ. 1,639.51 કરોડ (76.99 ટકા) હતો. નાણાકીય વર્ષ માટે એફડીઆર/ફિક્સ ડિપોઝીટ હેઠળ ભાજપ અને બસપાએ ક્રમશઃ રૂ. 3,253.00 કરોડ અને રૂ. 618.86 કરોડની જાહેરાત કરી હતી, જે બધા જ રાષ્ટ્રીય પક્ષોમાં પહેલા અને બીજા ક્રમે છે. 

કોંગ્રેસે આ શ્રેણીમાં રૂ. 240.90 કરોડની એફડી/એફડીઆર જાહેર કરી હતી. પ્રાદેશિક પક્ષોમાં સપા (રૂ. 434.219 કરોડ), ટીઆરએસ (રૂ. 256.01 કરોડ), અન્નાદ્રમુક (રૂ. 246.90 કરોડ), દ્રમુક (રૂ. 162.425 કરોડ), શિવસેના (રૂ. 148.46 કરોડ), બીજેડી (રૂ. 118.425 કરોડ) જેવા રાજકીય પક્ષોએ એફડીઆર/ફિક્સ ડિપોઝીટ હેઠળ સંપત્તિ જાહેર કરી છે. નાણાકીય વર્ષ 2019-20 માટે સાત રાષ્ટ્રીય પક્ષો અને ૪૪ પ્રાદેશિક પક્ષોએ કુલ રૂ. 134.93 કરોડની જવાબદારીઓ જાહેર કરી છે. એડીઆરના રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 74.27 કરોડ અને પ્રાદેશિક પક્ષોએ રૂ. 60.66 કરોડની જવાબદારીઓ જાહેર કરી છે.