ભાજપમાં 100થી વધુ નવા ચહેરાને વિધાનસભા ટિકિટની જાહેરાતથી સોપો’

October 13, 2021

હિંમતનગરઃ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ સોમવારે રાત્રે હિંમતનગર ખાતે પક્ષના પેજપ્રમુખોના કાર્યક્રમમાં આવતી વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોને ટિકિટ આપવાનું જાહેર કરતા પક્ષના વર્ષો જૂના ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીના સૂત્રો કહે છે કે, 2007ની ચૂંટણી દર વખતે 60-70 ઉમેદવારો તો આમ પણ નવાં જ આવે છે, જે આ વેળા મોટા પ્રમાણમાં વધુ આવશે, કેમ કે અમુક અપવાદ સિવાય ચાર-પાંચ ટર્મ ધરાવતા ધારાસભ્યોની તથા કેટલાકની ઉંમરને કારણે વિદાય લગભગ નક્કી જ છે, તદુપરાંત અત્યારે વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યો છે, એટલે બાકી 73 વિધાનસભા બેઠકો ઉપર ભાજપના નવા ઉમેદવારો આવશે તે પણ નક્કી છે. પાર્ટીમાં ચર્ચા પ્રમાણે સરકારમાં ઉચ્ચપદો સંભાળી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માનજનક સ્થાન સોંપાશે. જ્યારે બાકી ડ્રોપ થયેલા પૂર્વ મંત્રીઓ પૈકી પ્રદીપસિંહ જાડેજા, રણછોડ ફળદુ જેવા કેટલાક અપવાદો બાદ કરતા બાકી બધાને આ વખતે ઘેર બેસવાનો વારો આવશે.
પાર્ટીના સૂત્રો એવું કહે છે કે, ગુજરાત ભાજપ પ્રમુખે વિધાનસભામાં 100થી વધુ નવા ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાત ભલે કરી, પણ આખરે એ નિર્ણય તો પક્ષની પાર્લામેન્ટરી કમિટી લેતી હોય છે, અલબત્ત, એક બાબત સ્પષ્ટ છે કે, હવે કાર્યકર્તાને તેમની શક્તિ મુજબ સ્થાન આપવાનું પક્ષ વિચારી રહ્યું છે. નવ જેટલા જૂના મંત્રીઓને હવે ફરી ટિકિટ મળવાની શક્યતા જૂજ છે, જેમાં દિલીપ ઠાકોર-ચાણસ્મા, કૌશિક પટેલ-નારણપુરા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-ધોળકા, સૌરભ પટેલ-બોટાદ, જયપ્રથસિંહ પરમાર-હાલોલ, યોગેશ પટેલ-માજલપુર, ઇશ્વરસિંહ પટેલ-અંકલેશ્વર, કિશોર કાનાણી-વરાછા રોડ, રમણપાટકર-ઉમરગામનો સમાવેશ થાય છે.
65થી વધુ ઉંમરને કારણે આ ધારાસભ્યોને ફરી ટિકિટ મળવી મુશ્કેલ બનશે, જેમાં નીમા આચાર્ય-ભૂજ, વાસણ આહીર-અંજાર, શંભુ ઠાકોર-ગાંધીનગર દક્ષિણ, વલ્લભ કાકડિયા-ઠક્કરબાપાનગર, બાબુ જમના-દસ્ક્રોઇ, ધનજી પટેલ-વઢવાણ, ગીતાબહેન જાડેજા-ગોંડલ, અભેસિંહ તડવી-સંખેડા, જિતેન્દ્ર સુખડિયા-સયાજીગંજ, પીયૂષ દેસાઈ-નવસારી, અરુણસિંહ રાણા-વાગરાનો સમાવેશ થાય છે.