કેનેડા સાથેની સરહદ તાકીદે ખુલ્લી મુકવા અમેરિકાના ધારાસભ્યોની માંગણી

July 19, 2021

  • યોગ્ય નિર્ણય માટે રાજકીય દબાણ ઉભુ કરવા કોન્ફરન્સમાં સુચનો કરાયા
વોશિંગ્ટન : કેનેડા અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના હિમાયતીઓએ ફરી એકવાર બંને દેશો વચ્ચેની સરહદ પરથી પ્રતિબંધો હટાવી લેવાની માંગણી કરી હતી. કેનેડીયન અમેરિકન બિઝનેસ કાઉન્સીલના સીઈઓ સ્કોટી ગ્રીનવુડે એ અંગેની રજુઆત કરતા કહ્યું હતું કે, વેકસીનેટેડ પ્રવાસીઓ માટે આ પ્રતિબંધો હટાવી લેવા જોઈએ. આ રજુઆત સમયે મિડવેસ્ટર્ન લેજિસ્લેટીવ કોન્ફરન્સમાં ભાગ લેનારા ડેલીગેટસ પણ હાજર હતા. વાર્ષિક બેઠકની આ કોન્ફરન્સમાં એ વિશેનો ઠરાવ સર્વાનુમતીથી પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કેનેડા અને અમેરિકાના સત્તાવાળાઓને અનેક સુચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એવા નિર્ણય માટે રાજકીય દબાણ ઉભુ કરવાની વિનંતી પણ કરવામાં આવી હતી. એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આવશ્યક સેવાઓ કે વ્યાપારની વ્યાખ્યા બરાબર સમજાય એવી રાખવી જોઈએ. એની બધી સત્તા માત્ર સરહદ પરના અધિકારીને ન અપાવી જોઈએ. આ કોન્ફરન્સે અમેરિકા અને કેનેડાની ફેડરલ સરકારો સમક્ષ પણ રજુઆત ટૂંક સમયમાં કરવાની તૈયારી દર્શાવી હતી. એને માટે વેકસીનેશન ઝુંબેશને વેગ આપવા પણ વિનંતી કરશે. 
આ સાથે જ જણાવાયું હતું કે, કેનેડા સીધા વિદેશી રોકાણનું બીજા ક્રમનું સ્રોત છે અને અંદાજે પાંચ લાખથી વધુ રોજગારો પણ પુરા પાડે છે. બંને દેશો વચ્ચેનો કૃષિ વ્યવસાય પણ મહામારી પહેલા ૪૮ બિલીયન યુએસ ડોલર જેટલો હતો. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પણ સરહદ જલદીથી ખુલ્લી મુકાય એ જરૂરી બને છે. આ કોન્ફરન્સમાં કાઉન્સીલ ઓફ સ્ટેટ ગર્વન્મેન્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જે ૧૧ રાજયોના હતા. જેમાં ઈલીનોસ, ઈન્ડિયાના, લોવા, કાન્સસ, મિશીગન, મિનેસોટા, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓહિયો, સાઉથ ડાકોટા અને વિસ્કોન્સીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેનેડાના સાસ્કેચવાન, અલ્બર્ટા, ઓન્ટેરિયો અને કયુબેક પ્રાંતના પ્રતિનિધીઓ પણ હાજર રહ્યાં હતા.