IPLની બ્રાન્ડ વેલ્યૂ ૧૩.૫% વધી, MI ૮૦૯ કરોડની વેલ્યૂ સાથે ટોચ પર

August 04, 2020

ન્યૂયોર્કઃ બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સિઝનના આયોજન અંગેના અંતિમ નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને આ વખતે કોરોના વાઇરસના કારણે પ્રત્યેક ફ્રેન્ચાઇઝીઓને બાયો-બબલ સિસ્ટમનો વધારાનો ખર્ચ થશે. જોકે ગ્લોબલ એડવાઇઝર કંપની ડફ એન્ડ ફેલપ્સે ૨૦૧૯માં આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂ અંગે એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટના અનુસાર આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૮ની સરખામણીમાં ૨૧૯માં ૧૩.૫ % વધી ગઇ છે. ૨૦૧૮માં બીસીસીઆઇની આ ટી૨૦ લીગની વેલ્યૂ ૪૧ હજાર ૮૦૦ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૯માં વધીને ૪૭ હજાર ૫૦૦ કરોડ રૂપિયા થઇ છે. માત્ર આઇપીએલની જ નહીં પરંતુ આ લીગમાં રમાનાર તમામ ફ્રેન્ચાઇઝીની બ્રાન્ડ વેલ્યૂ પણ સતત વધતી રહી છે. ચાર વખત ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ૮૦૯ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચના ક્રમે છે. ત્યારબાદ ચેન્નઇ સુપર કિંગ્સ છે. મુંબઇની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૮માં ૭૪૬ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૯માં ૮.૫ % વધી ગઇ છે. વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સમાં મોસ્ટ વેલ્યૂએબલ ટીમની યાદીમાં અમેરિકાની રગ્બી ટીમ ડલાસ કાઉબોય્ઝ સતત પાંચમા વર્ષે ટોચના ક્રમે છે. ૨૦૨૦ના વર્ષમાં તેની બ્રાન્ડ વેલ્યૂ ૫.૫ બિલિયન ડોલર (લગભગ ૪૧,૨૧૧ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. ડલાસ ટીમની આ બ્રાન્ડ વેલ્યૂ ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી મોંઘી મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી કરતાં પાંચ ગણી વધારે છે. આઇપીએલની કુલ બ્રાન્ડ વેલ્યૂ ૪૭,૫૦૦ કરોડ રૂપિયા છે અને બીસીસીઆઇની આ લીગ ડલાસ કરતાં માત્ર ૬,૨૮૯ કરોડ રૂપિયા વધારે છે.