કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડ્યો, કેજરીવાલના હાથમાંથી છીનવી લીધો પાવર

May 20, 2023

દિલ્લી સરકારને વહીવટ માટે વધુ સત્તાઓ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ થયેલા અરવિંદ કેજરીવાલની ખુશી 9 દિવસ જ ટકી શકી છે. કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને ફરી ઉપરાજ્યપાલને દિલ્લીના બોસ બનાવી દીધા છે. જેને જોતાં કેન્દ્ર અને દિલ્લી સરકાર વચ્ચેના જંગમાં નવો અધ્યાય ઉમેરાયો છે.

11મી મે ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને એક મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દિલ્લી સરકારને કામ કરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી હતી. જો કે આ સ્વતંત્રતાનો કેજરીવાલ સરકાર ઉપયોગ કરે તે પહેલા જ સ્વતંત્રતા પાછી લઈ લેવાઈ છે.

કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેની જોગવાઈઓ અનુસાર દિલ્લી સરકારની સત્તા ફરી સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાની સ્થિતિમાં આવી ગઈ છે. દિલ્લીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકાર ફરી ઉપરાજ્યપાલને મળ્યા છે. કેન્દ્રના આ વટહુકમને મુખ્યમંત્રી કેજરીવાલે સંઘીય માળખા પર પ્રહાર તેમજ દિલ્લીના લોકો માટે તમાચા સમાન ગણાવ્યો છે.

કેન્દ્ર સરકારે વટહુકમમાં જ તેને લાવવા પાછળનું કારણ પણ આપ્યું છે. તેમાં જણાવાયું છે કે દિલ્લી વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, દિલ્લીમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ કાર્યાલય, ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ ઓથોરિટી કામ કરે છે. સુપ્રીમ કોર્ટ સહિતની બંધારણીય સંસ્થાઓ તેમજ વિદેશના દૂતાવાસો દિલ્લીમાં જ છે. એવામાં આ તમામની સુરક્ષાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો છે. ભાજપે કેન્દ્રના આ નિર્ણયને બંધારણને આધિન લેવાયેલું પગલું ગણાવ્યું છે.