કેન્દ્ર સરકાર દેશવ્યાપી લોકડાઉન લાદે તેવી સંભાવનાઓ નહીંવત્

May 04, 2021

નવી દિલ્હી: દેશમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ ૩ લાખથી વધુ કેસ અને ૩૫૦૦થી વધુનાં મોત થઈ રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ તેમજ
કોવિડ -૧૯ નિષ્ણાતોની સમિતિ દ્વારા કોરોનાની ચેઈનને તોડવા આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા ભલામણ કરવામાં આવી છે.  જો કે કેન્દ્ર સરકાર
દેશવ્યાપી લોકડાઉન લાદે તેવી સંભાવના નહીવત છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંક્રમણ વધતુ રોકવા કડક પગલાં લેવા તેમજ આકરાં પ્રતિબંધો
લાદવા છૂટ અપાઈ છે. ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દેશવ્યાપી લોકડાઉન લાદવાથી મજૂરો અને નાના
કામદારોની રોજીરોટી છીનવાઈ જવાની સંભાવના છે તેમજ વેપાર ધંધાને મોટું  નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત લોકડાઉનને કારણે ઈકોનોમીને મરણતોલ
ફટકો પડી શકે છે. 
અલબત્ત કોરોનાનાં સંક્રમણને તોડવા માટે જ્યાં ૧૫ ટકાથી વધુ પોઝીટીવીટી રેટ છે તેવા દેશનાં ૧૫૦ જિલ્લાઓમાં સરકાર દ્વારા મિની લોકડાઉન લાદવામાં
આવ્યું છે. જ્યાં થોડી છૂટછાટ સાથે ઈકોનોમીને  નુકસાન ન થાય તે રીતે વેપાર ધંધા અને ઉદ્યોગોને કામકાજની છૂટ અપાઈ છે. કોવિડ ટાસ્કફોર્સનાં નિષ્ણાતો
તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવા ભલામણ કરાઈ છે.