જે કંપનીએ દુનિયાને કોરોનાથી બચાવવા બનાવી વેક્સીન, તેના સીઈઓ બીજીવાર સંક્રમિત

September 25, 2022

વોશિંગટનઃ ફાઇઝર ઇંકના મુખ્ય કાર્યકારી અધિકારી અલ્બર્ટ બૌર્લા બીજીવાર કોવિડથી સંક્રમિત થયા છે. ફાઇઝર દુનિયાની પ્રથમ કંપની હતી, જેની કોવિડ વેક્સીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંજૂરી આપી હતી. એટલું જ નહીં દુનિયામાં પ્રથમવાર ફાઇઝરની વેક્સીન લોકોને લગાવવાની શરૂ થઈ હતી. ફાઇઝરે દાવો કર્યો હતો કે તેની કોવિડ વેક્સીન દુનિયામાં બાકી વેક્સીનની તુલનામાં વધુ પ્રભાવી છે. તેમ છતાં ફાઇઝર કંપનીના સૌથી મોટા અધિકારી બીજીવાર કોવિડ સંક્રમિત થવા પર વેક્સીનની પ્રભાવકારિતા પર સવાલ ઉઠી રહ્યાં છે. 


કોવિડ સંક્રમિત થયા બાદ અલ્બર્ટ બૌર્લાએ કહ્યુ કે મને સારૂ છે અને મારી અંદર સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. 60 વર્ષીય બૌર્લા પ્રથમવાર ઓગસ્ટમાં કોવિડથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમણે ફાઇઝરની કોવિડ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ Paxlovid ને શરૂ કરી હતી. Paxlovid એક એન્ટીવાયરલ દવા છે જેનો ઉપયોગ વધુ જોખમવાળા લોકો, જેમ કે મોટી ઉંમરના લોકોની સારવાર માટે કરવામાં આવે છે. 


બોર્લાએ ફાઇઝર કોવિડ વેક્સીનના ચાર ડોઝ લીધા છે. ફાઇઝરે આ વેકસીન પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેકની સાથે મળીને વિકસિત કરી છે. તેમણે અત્યાર સુધી ફાઇઝરનો નવો બૂસ્ટર ડોઝ લીધો નથી. મોડર્ના અને ફાઇઝર-બાયોએનટેકે નવો બૂસ્ટર ડોઝ બનાવ્યો છે, જે કોવિડના  BA.5 અને  BA.4 ઓમાઇક્રોન સબવેરિએન્ટનો સામનો કરવામાં સક્ષમ છે. અમેરિકામાં કુલ કોવિડ કેસમાં BA.5 સંક્રમણના 84.8 ટકા કેસ છે અને BA.4ના 1.8 ટકા કેસ સામે આવી રહ્યાં છે.