અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં 1.21 કરોડ લોકોએ નગરની મુલાકાત લીધી

January 15, 2023

અમદાવાદઃ અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહનું આજે સમાપન થયું છે. એક મહિનાથી અમદાવાદમાં ચાલતા ઐતિહાસિક મહોત્સવનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. એક મહિના દરમિયાન 1 કરોડ 21 લાખ લોકોએ પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધી હતી. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર જોવા મળ્યા હતા. 


સંધ્યા સમયે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ – ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’ નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો. અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.  BAPSના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું હતું.

પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર કરોડો લોકોમાંથી કેટલાંક લોકોના સ્વાનુભાવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું.  BAPS મંદિરોના વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રભાવને દર્શાવતી વિડિયો રજૂ કરવામાં આવી હતી.