માંજલપુર પોલીસ સ્ટશનનો કોન્સ્ટેબલ રૃા.10 હજારની લાંચ લેતા ઝડપાયો

October 22, 2023

જાહેરનામા ભંગના કેસમાં સ્પાના સંચાલકના રિમાન્ડ નહી માંગવા વિશ્વામિત્રી પોલીસચોકીના જમાદારે પૈસા પડાવ્યા
વડોદરા- સ્પા અને મસાજ સેન્ટરો પરની કાર્યવાહીને પોલીસના માણસોએ આવકનું સાધન બનાવી દીધું છે. માંજલપુર વિસ્તારમાં એક સ્પાના સંચાલક સામે કાર્યવાહી બાદ જાહેરનામાના સામાન્ય ગુનામાં રિમાન્ડ નહી માંગવા અને હેરાનગતિ નહી કરવા માટે રૃા.૧૦ હજારની લાંચ લેતા માંજલપુર પોલીસ સ્ટેશનની વિશ્વામિત્રી પોલીસચોકીનો હેડ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઇ ગયો હતો.


આ અંગેની વિગત એવી છે કે રાજ્યના ડીજીપીના આદેશ મુજબ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા અને મસાજ સેન્ટરો પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે એક સ્પા અને મસાજ પાર્લરના સંચાલક સામે માંજલપુર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ વિશ્વામિત્રી પોલીસચોકીના હેડ કોન્સ્ટેબલ આનંદ રામજી વાળા (રહે.પ્રતાપનગર પોલીસલાઇન, મૂળ તલ્લી, તા.તળાજા, જિલ્લો ભાવનગર) કરતા હતાં.


હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાએ સ્પાના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને પોલીસ રિમાન્ડ નહી માંગવા તેમજ હેરાનગતિ નહી કરવા માટે રૃા.૧૦ હજારની માંગણી કરી હતી. જો કે સંચાલક પોલીસ કર્મચારીને લાંચ આપવા માંગતા નહી હોવાથી એસીબીનો સંપર્ક કરતાં મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
દરમિયાન આજે બપોરે વિશ્વામિત્રી પોલીસચોકીમાં સ્પાનો સંચાલક ગયો હતો અને વાત થયા મુજબ હે.કો. આનંદ વાળાને લાંચની રકમ રૃા.૧૦ હજાર આપી સૂચિત ઇશારો કર્યો હતો. આ સાથે જ એસીબીની ટીમે હે.કો. આનંદ વાળાને લાંચની રકમ સાથે ઝડપી પાડયો હતો. એસીબીએ આ અંગે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.