15 રાજ્યમાં કોરોના દર્દીઓની મળવાની ઝડપ 5% કરતાં વધુ થઈ; પંજાબમાં મૃત્યુદર સૌથી વધુ

March 03, 2021

નવી દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓ મળવાની ગતિ ઝડપી બની રહી છે. 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવાં છે, જ્યાં પોઝિટિવિટી રેટ એટલે કે દર્દીઓના મળવાની ગતિ 5% કરતાં વધુ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13.2% પોઝિટિવિટી દર છે. આ ઉપરાંત ગોવામાં 11.1%, નાગાલેન્ડમાં 9.3% અને કેરળમાં 9.2%ની ઝડપે કેસ સામે આવી રહ્યા છે.

મૃત્યુદરની વાત કરીએ તો પંજાબ આ બાબતમાં સૌથી આગળ છે. અહીં દર 100 કોરોના દર્દીઓમાંથી લગભગ ત્રણ લોકો મૃત્યુ પામી રહ્યા છે. મૃત્યુદર અહીં સૌથી વધુ 3.2% છે. બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 2.4%ની ઝડપે લોકો જીવ ગુમાવી રહ્યા છે. સિક્કિમમાં 2.2% અને પશ્ચિમ બંગાળમાં 1.8% મૃત્યુદર નોંધાયો છે.

કોરોના દર્દીઓમાં ઝડપની વચ્ચે જ એક રાહત મળવાના સમાચાર છે. દેશમાં 5 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં 99%થી વધુ દર્દીઓ સાજા થયા છે. આમાં બિહાર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ઓડિશા અને આંધ્રપ્રદેશ છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 99.7% દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.