ટ્રમ્પની હત્યા કરવાનો પ્લાન આ દેશે ઘડ્યો, જેથી..' અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરનો ધડાકો

September 25, 2024

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ વર્ષે બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. જોકે, તેવો માંડ-માંડ બચી ગયા છે. આ વચ્ચે હવે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઈરાને ટ્રમ્પની હત્યાનો પ્લાન ઘડ્યો છે. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્તચર અધિકારીઓએ તેમના જીવના જોખમ અંગે ચેતવણી આપી છે. મંગળવારે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે પૂર્વ પ્રમુખને ઈરાન તરફથી આવી રહેલી કથિત હત્યાની ધમકીઓ વિશે માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓએ ટ્રમ્પને જણાવ્યું કે, હકીકતમાં તમારા જીવને જોખમ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પની સુરક્ષા પ્રત્યે એલર્ટ થઈ ગઈ છે. 5 નવેમ્બરના રોજ અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ સાથે છે. ટ્રમ્પની કેમ્પેઈન ટીમે એક નિવેદનમાં કહ્યું કે, પૂર્વ પ્રમુખ ટ્રમ્પને આજે સવારે ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ (ODNI) ના કાર્યાલય દ્વારા ઈરાન તરફથી મળતી હત્યાની ધમકીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આમ કરવાનો પ્રયાસ કરનાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં અસ્થિરતા ઉત્પન્ન કરવાનો અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવા માગે છે.