એર ઇન્ડિયા, એએઆઇની રકમ જપ્ત કરવા કેનેડાની કોર્ટે આદેશ આપ્યો

January 11, 2022

  • દેવદાસના શેરધારકો ક્યુબેકની કોર્ટમાં ભારત સરકાર સામે કેસ કર્યો હતો

મુંબઈ- સરકારને દેવાસના શેરધારકોને રકમની ચૂકવણી ન કરવી મોંઘી પડી છે. દેવાસ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારત સરકાર સામે આપવામાં આવેલા 11.1 કરોડ ડોલરના આર્બિટ્રેશન ચુકાદાને અમલી બનાવવા માટે અનેક વખત અરજી કરી છે. જેને પગલે કેનેડાની કોર્ટે એર ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) વતી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઇટા)એ એકત્રિત કરેલી રકમ જપ્ત કરવા આદેશ આપ્યો છે.
આ આદેશ મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી 68 લાખ ડોલરની રકમ જપ્ત કરવામાં આવશે. હજી પણ એર ઇન્ડિયા પાસેથી રકમ વસૂલવાની બાકી છે. કારણ કે, તેની ચોક્કસ રકમ હજી સુધી જાણી શકાઈ નથી.
ટાટા જૂથે ગયા વર્ષે એક સફળ બિડમાં સરકારી કંપનીને હસ્તગત કરી હતી તે સમયે આ પ્રકારનો આદેશ આવ્યો છે. આ સોદામાં ટાટા જૂથને જૂના કોઈપણ પ્રકારના કેસ સામે ઇન્ડેમ્નિટી આપવામાં આવી છે.
દેવદાસના શેરધારકો ક્યુબેકની કોર્ટમાં ભારત સરકાર સામેનો 11.1 કરોડ ડોલરની રકમનો આદેશ જીતી ગયા હતા. એર ઇન્ડિયાની રકમ કેટલી હતી તે હજી સુધી જાણી શકાયું નથી. કોર્ટના આદેશબાદ શેરધારકોએ મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, ભારત સરકાર તેના દ્વારા બાકી રહેલી ઋણની ચૂકવણી નહી થાય ત્યાં સુધી અમે વિશ્વની તમામ કોર્ટમાં તેને પડકારતા રહીશું. આ કિસ્સામાં ભારત સરકાર એકદમ ગેરકાયદેસર રીતે વર્તી છે. અમે જ્યાં સુધી પતાવટ નહી થાય ત્યાં સુધી આ કાર્યવાહી પણ જારી રહેશે.  દેવાસના શેરધારકોનું વલણ પહેલેથી જ સ્પષ્ટ હતું. તેમને અપાયેલા આદેશનું પાલન થાય તેમ તેઓ ઈચ્છતા હતા. બીજી તરફ કેનેડાની કોર્ટના ચુકાદા અંગે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.