તહેરાનમાં 180 પેસેન્જર્સથી ભરેલું પ્લેન ક્રેશ થતા હાહાકાર

January 08, 2020

તહેરાન : અમેરિકા અને ઇરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ઇરાનની રાજધાની તહેરાન સ્થિત ઇમામ ખુમૈની એરપોર્ટની પાસે એક પેસેન્જર વિમાન ક્રેશ થઇ ગયું છે. આ વિમાન યુક્રેનનું હતું અને તેમાં 180 પેસેન્જર્સ સવાર હતા. આ બધાની વચ્ચે ઇરાનમાં છેલ્લાં બે કલાકમાં બે ભૂકંપના ઝાટકા પણ આવ્યાના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા રિક્ટ સ્કેલ પર 5.5 અને 4.9 માપવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ વિમાન યુક્રેનનું બોઇંગ 737 કહેવાય છે. ઇરાનના ઇમરજન્સી વિભાગના પ્રવકત્તા મોત્જબા ખલિદીએ કહ્યું કે વિમાનમાં 180 પેસેન્જર સવાર હતા. આપને જણાવી દઇએ કે આજ ઇરાને ઇરાકમાં અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તાઇવાન એયર અને ચીને ઇરાન અને ઇરાકથી પોતાના વિમાનોની અવરજવર રોકવાની જાહેરાત કરી દીધી છે.

ઇરાનના સરકારી ટીવીએ કહ્યું કે યુક્રેનનું પ્લેન 180 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સની સાથે ઉડાન ભરતા જ એરપોર્ટની નજીક ક્રેશ થઇ ગયું.