રેલવે-હાઇવે માટે જમીન સંપાદનને ફાસ્ટ ટ્રેક પર મૂકવા કમિટીની રચના

January 29, 2022

ગુજરાતમાં ચાલી રહેલા ભારત સરકારના રેલ અને હાઇવે પ્રોજેક્ટ જમીન સંપાદનને કારણે અટવાઈ પડયા છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિપોર્ટ માંગતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ચીફ સેક્રેટરીના અધ્યક્ષપદે છ સેક્રેટરીઓની સમિતિ રચવા નિર્ણય કર્યો છે.

રાજ્યમાં 12 નેશનલ હાઇવે, એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન અને ડેલિકેટેડ હાઇસ્પીડ કોરિડોર સહિતના ફ્લેગશિપ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું કામ ટલ્લે ચઢયું છે. જેથી તેને ઝડપથી પૂર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ અહેવાલ માંગ્યો છે. આથી જમીન સંપાદનની કામગીરી ઝડપથી થાય અને ફ્લેગશીપ પ્રોજેક્ટ તેની સમયમર્યાદામાં પૂર્ણ થાય તે ઉદ્દેશ્યથી રાજ્યના ચીફ સેક્રેટરીના અધ્યક્ષપદે છ સેક્રેટરીઓની કમિટી રચવામાં આવી છે.

મહેસૂલ વિભાગના ઉપસચિવ એચ.જે.રાઠોડની સહીથી શુક્રવારે પ્રસિધ્ધ પરિપત્રમાં જળ સંપત્તિ, માર્ગ મકાન, આયોજન સહિતના પાંચ વિભાગોના સચિવોનો સમાવેશ કરાયો છે. આ કમિટી તમામ ફ્લેગશિપ પ્રોજેક્ટની સમીક્ષા કરીને સમયાતંરે વડાપ્રધાન કાર્યાલયને અહેવાલ સુપરત કરશે. તદ્ઉપરાંત પ્રોજેક્ટની અડચણો ઝડપથી નિકાલ કરવા પ્રયત્નો હાથ ધરશે.