પુત્રીની લગ્ન માટે યુગાન્ડાથી પાદરા આવતાં પિતાનું મોત, પ્રસંગ માતમમાં ફેરવાયો

January 06, 2020

પાદરાના ઝંડા બજારના મોચી બજારમાં રહેતા હિતેશભાઇ (લાલભાઇ) ઉત્તમભાઇ ચૌહાણનાઓ છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી સાઉથ આફ્રિકાના યુગાન્ડામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવાર સમાજના અવર જવર કરતા હતા. પુત્રી પ્રિયંકા છેલ્લા બે- એક વર્ષથી પાદરા રહેતી હતી. જયારે પુત્ર હિમાંશુભાઇ ચૌહાણ, પત્ની રેખાબેન ચૌહાણ પરિવારજનો આફ્રિકાના યુગાન્ડામાં રહી નોકરી કરતા હતા. પત્ની ૨૦ દિવસ અગાઉ યુગાન્ડાથી પાદરા આવી ગયા હતા.
આગામી તારીખ ૨-૨-૨૦ના રોજ પુત્રી પ્રિયંકા ચૌહાણના લગ્ન હોય બીજા બે ભત્રીજાઓના લગ્ન પ્રસંગ હોય સાઉથ આફ્રિકાના યુગાન્ડાથી પ્લેનમાં બેસી પુત્ર હિમાંશુભાઇ ચૌહાણ તેમજ પિતા હિતેષભાઇ ચૌહાણ મુંબઇથી સ્પિેશયલ ટ્રેનમાં વડોદરા આવતા હતા તે વેળા ટ્રેનમાં પિતા હિતેશભાઇ ચૌહાણ નહીં મળતા વડોદરા રેલવે સ્ટેશને વધુ તપાસ કરી હતી. જેમાં ગણદેવી- નવસારી વચ્ચે હિતેષભાઇ ચૌહાણનો મૃતદેહ મળતા ગણદેવી સરકારી દવાખાને મૂક્યો હતો.
ચાલુ ટ્રેને તેઓ ટ્રેનમાંથી પડી ગયા હોય મોતને ભેટયા હોવાનું અનુમાન છે. પોલીસ સંપર્કથી જાણવા મળ્યું કે, ગણદેવી પાસે અજાણ્યા શખસની લાશ મળી છે જેનો ફોટા પરથી મૃતદેહ ઓળખતા હિતેષભાઇનો હોય પરિવારજનો ગણદેવી પહોંચી ગયા હતા.