કેનેડા માટે ફાઈવ-જી સુવિધા માટે હુવેઈ અંગેનો નિર્ણય ટુંક સમયમાં કરાશે : ટ્રુડો

October 02, 2021

  • બે કેનેડિયન નાગરિકોને મુક્ત ન કરવા મુદ્દે બંને દેશ વચ્ચેનો ખટરાગ યથાવત

ટોરન્ટો : ચાઈનીઝ ટેલિકોમ જાયન્ટ હુવેઈના એકઝીકયુટીવ મેન્ગ વાન્ઝોહુને મુકત કરાયા બાદ કેનેડીયન નાગરિકો મિશેલ સ્પાવર અને મિશેલ કોવરીગને મુકત કરાયા હોવાથી હવે કેનેડા અને ચીન વચ્ચેના સંબંધોમાં હુવેઈ અવરોધરૂપ બને એવી શકયતા છે. વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન પુરા પાડનારી કંપની છે જે કેનેડામાં પણ બિઝનેસ કરે છે અને દેશમાં ફાઈવ જીના વાયરલેસ નેટવર્ક માટે પ્રયાસરત છે. જો કે, કેનેડાની સરકારે હજુ સુધી ચાઈનીસ કંપની સાથે ફાઈવ જી નેટવર્ક માટે મંજુરી આપી નથી. મંગળવારે બપોરે વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ એમને પુછાયેલા હુવેઈ વિશેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે અમે જોયું છે કે, ઘણી કેનેડિયન ટેલીકોમ કંપનીઓએ હુવેઈ સાથે કામ કરવાનું બંધ કર્યું છે. અમે પણ બીજા વિકલ્પોની શોધમાં છીએ અને આવનારા થોડા અઠવાડિયામાં જ અમે એ વિશે સત્તાવાર જાહેરાત પણ કરીશું. યુનિર્વસિટી ઓફ ઓટાવાના સિનીયર ફેલો માર્ગારેટ મેકકુવેગ જોન્સને કહ્યું હતું કે, કેનેડાએ હુવેઈ ઉપર પ્રતિબંધ જલ્દીથી મુકી દેવો જોઈએ. કેમ કે, હુવેઈ ચીનની સરકાર સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને એટલે જ એને દૂર રાખવાનો નિર્ણય લેવામાં સરળતા પણ રહેશે. વર્ષ ર૦૧૮માં રોજર્સે એરિકસનને ફાઈવ જી સપ્લાયર તરીકે બેલ અને ટેલસ સાથે પસંદ કર્યા હતા.
આ સાથે નોકિયાનો પણ એ યાદીમાં ઉમેરો થયો હતો. મેકકુવેય જોન્સન માને છે કે, કેનેડાએ સ્થાનિક ઓપરેટરોને મહત્વ આપી બહારની કંપની માટેના દરવાજા બંધ જ કરી દેવા જોઈએ. આપણા ટેલિકોમ કેરીયરો પણ એ વિશે સ્પષ્ટતા ઈચ્છે છે. મિનિસ્ટર ઓફ ઈનોવેશન, સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રવકતાએ મીડિયાને ઈમેલથી જણાવ્યું હતું કે, કેનેડિયન નેટવર્ક સુરક્ષિત રહે એવું સરકાર ઈચ્છે છે અને રાષ્ટ્રીય સુરક્ષાને અસર થાય એવા કોઈ પગલા સરકાર નહીં લે. જો કે, તેમણે આ વાત હુવેઈના ઉલ્લેખ વિના જ કહી હતી. 
તેમણે એમ પણ કહ્યું હતું કે, સુરક્ષાના બધા જ માપદંડોને ધ્યાનમાં રાખીને જ કોઈ નિર્ણય લેવામાં આવશે. સરકાર એ બાબતે ચોક્કસ છે કે, એવો અભિગમ અપનાવવો જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બધા માટે હિતાવહ હોય. કેનેડા ફાઈવ આઈઝ ઈન્ટેલિજન્સ ઓપરેશનમાં શામેલ છે. જેમાં કેનેડા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુ.કે. અને યુએસએ પણ છે. 
અન્ય ચાર સાથી રાષ્ટ્રોએ તો હુવેઈ પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે નિર્ણય લેવાનો વારો કેનેડાનો છે.