કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, 40 દિવસથી વેન્ટિલેટર પર હતા

September 21, 2022

આજે સવારે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. તેઓ ઘણા દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે જિમમાં એક્સર્સાઈઝ કરતા સમયે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

તેમની 10 વર્ષમાં ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યાર બાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

હોસ્પિટલના ડૉક્ટરે પરિવારને કહ્યું હતું કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તેઓ આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તેઓ સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.

પરિવારને તરત જ ખ્યાલ આવ્યો કે રાજુ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનને આદર્શ માને છે અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને રાજુની તબિયત અંગે માહિતી આપી હતી. બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય.

અમિતાભ બચ્ચનને ડૉક્ટરે જે વાત કહી હતી એ પણ કહેવામાં આવી હતી. ત્યાર બાદ પાંચ મિનિટની અંદર બિગ બીએ એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો.

બિગ બીએ કહ્યું હતું, 'રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલદીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.' પરિવાર આ મેસેજ વચ્ચે વચ્ચે રાજુને સંભળાવે છે.

રાજુ શ્રીવાસ્તવના પ્રવક્તાએ કહ્યું હતું કે બિગ બીના ઑડિયો મેસેજથી બૉડીમાં મૂવમેન્ટ વધી હતી. જોકે બ્રેન રિસ્પોન્સ નથી કરતું એ ચિંતાની વાત હતી.