લખનૌમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર પણ કોરોનાની ચપેટમાં

March 18, 2020

લખનૌ : ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ચિંતાનુ મોજુ પ્રસરી રહ્યુ છે.

યુપીમાં લખનૌમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ દર્દી બહાર આવ્યો છે. લખનૌમાં દર્દીની સારવાર કરી રહેલા એક ડોક્ટરને તેનો ચેપ લાગ્યો છે.જે વધારે ચિંતાની વાત છે.

સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરનુ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યુ હતુ. આ ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ ડોક્ટર પોતે જ હવે દર્દી બની ગયા છે.

વધારે ચિંતાની વાત એ છે કે, કોરોનાના બે દર્દીઓની સારવાર કરી રહેલા 22 ડોક્ટરોની ટીમમાં આ ડોક્ટર તૈનાત હતા. આમ હવે આ ડોક્ટરોની ટીમને પણ મેડિકલ ચેક અપ કરાવવુ પડે તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહી.

જોકે કેજીએમયુ હોસ્પિટલના સત્તાધીશોનુ કહેવુ છે કે, ડોક્ટરની હાલત સ્થિર છે અને ચિંતા કરવા જેવુ કશું છે નહી.