સ્કૂલ વેનના ડ્રાઇવરને જાતીય અત્યાચાર ગુજારવાના આરોપસર 10 વર્ષની સજા

February 01, 2020

મુંબઇ : મુંબઇની એક વિશેષ પોક્સો (પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ) અદાલતે છ વર્ષની એક બાળા પર બે વખત જાતીય અત્યાચાર ગુજારવાના આરોપસર એક વ્યક્તિને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઘટના વર્ષ ૨૦૧૬માં બની હતી. બાળા તે સમયે છ વર્ષની હતી (જે હાલ ૧૦ વર્ષની છે) તેની જુબાનીને માન્ય રાખી આરોપી અબ્દુલ રહેમાનને કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા અને ૧૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી પીડિત બાળાને ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર ૧૧ ફેબુ્રઆરી, ૨૦૧૬ના રોજ બાળા સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં હતી ત્યારે એક વ્યક્તિ તેને ત્યાંથી દૂર ખેંચી ગયો હતો અને તેના પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. બાળા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે ગભરાયેલી હતી અને તેની માતાએ તેના આંતરવસ્ત્રો પર ડાઘ પણ જોયા હતા. તેની બહુ પૂછપરછ કરવામાં આવતા તેણે એક અજાણ્યા 'અંકલે' અણછાજતો સ્પર્શ કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે બીજા દિવસે ફરીથી આ વ્યક્તિએ બાળા પર અત્યાચાર ગુજાર્યો હતો અને બાળાને ધમકાવી તેના મા-બાપની હત્યા કરી નાંખશે તેવું કહ્યું હતું. 

ગભરાયેલી બાળાએ ટીચરને આ બાબતની જાણ કરી હતી પણ તે દરમિયાન આ વ્યક્તિ ત્યાંથી ભાગી છૂટયો હતો. ઘરે આવ્યા બાદ બાળાએ માતાને આ બાબતની જાણ કરી. બાળાની માતા પાડોશીઓ સાથે સ્કૂલમાં પહોંચી ગઇ જ્યાં સ્કૂલના ગેટ પર જ આરોપી રહેમાન ઉભો હતો. બાળાએ તેને ઓળખી કાઢયો અને આ લોકો હજી કાંઇ પ્રતિક્રિયા આપે તે પહેલા જ તે સ્કૂલવેનમાં ભાગી છૂટયો હતો. ત્યારબાદ બાળાની માતાએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી.

આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા આરોપીએ બનાવ બન્યો ત્યારે ત્યાં હાજર ન હોવાનું જણાવ્યું હતું. પણ આરોપી આ બાબત સાબિત કરવામાં નિષ્ફળ નિવડયો હતો. આ બનાવ બન્યો ત્યારે સ્કૂલ પરિસરના સીસીટીવી કેમેરા પણ યોગ્ય રીતે કારમ કરતા નહોતા. જો કે જજ શેન્ડેએ બાળાને ખોટું બોલવાનું કોઇ કારણ જ નથી તેમજ તેના પરિવારજનો પણ કોઇ રીતે આરોપીને જાણતા ન હોવાનું તેમજ તેની વેનમાં બાળા સ્કૂલે આવજા પણ કરતી ન હોવાની વાત ધ્યાનમાં લઇ આરોપીને દોષિત પૂરવાર કરી દસ વર્ષની કેદની સજા ફટકારી હતી.