પાકિસ્તાનના ચૂંટણી પંચે 271 સાંસદો, વિધાયકોને સસ્પેન્ડ કરી નાખ્યા

January 17, 2023

પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશભરના 271 સાંસદો અને ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી કરી છે.  આવક અને જવાબદારીઓના હિસાબના લેખાજોખા સબમિટ ન કરવા બદલ તેમની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે.  દર વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં આ નાણાકિય વિવરણ ફાઇલ કરવામાં આવે છે. પાકિસ્તાન ચૂંટણી પંચે (ECP) એ સાંસદો અને ધારાસભ્યોને 30 જૂન, 2022 સુધીના નાણાકિય હિસાબો સબમિટ કરવા માટે 16 જાન્યુઆરી, 2023 સુધીનો સમય આપ્યો હતો.


સાંસદો અને ધારાસભ્યોને ચેતવણી આપવામાં આવી હતી કે જેઓ નાણાકીય વિગતો પ્રદાન નહીં કરે તેમની સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે. ECPએ સોમવારે કહ્યું કે નેશનલ એસેમ્બલીના 136 સભ્યો, 21 સેનેટર અને પ્રાંતીય એસેમ્બલીના 114 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


ગયા વર્ષે, નેશનલ એસેમ્બલીના 35 સભ્યો અને ત્રણ સેનેટરોએ 16 જાન્યુઆરીની સમયમર્યાદા સુધીમાં નાણાકીય નિવેદનો ફાઇલ કર્યા ન હતા, જ્યારે આ વર્ષે તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નેતાઓએ રાજીનામું આપ્યું હોવાથી આ સંખ્યા પ્રમાણમાં વધુ રહી હતી.