ખેડૂત સિંધુ બોર્ડર પરથી હટવા તૈયાર નથી, પોલીસે કહ્યું-બુરાડી મેદાન જશો તો અમે છોડીશું

November 29, 2020

બુરાડી : ખેતી સાથે જોડાયેલા કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હી સિંધુ અને ટિકરી બોર્ડર પર અડગ છે. કેન્દ્ર સરકાર તરફથી વાતચીતના પ્રસ્તાવ છતા તેમનો વિરોધ યથાવત છે. હાલ સિંધુ બોર્ડર પર ખેડૂતોની એક બેઠક ચાલી રહી છે. જેમાં કેન્દ્રના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવાશે.

આ પહેલા ખેડૂતોએ કહ્યું હતું કે, તે સિંધુ બોર્ડર પર જ પોતાનો વિરોધ ચાલું રાખશે અને ક્યાંય નહી જાય. પોલીસ અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરી અને તેમને દિલ્હીના બુરાડી મેદાનમાં જવા માટે કહ્યું. બુરાડીમાં ખેડૂતોનું એક ગ્રુપ પહેલાથી ધામા નાખીને બેઠું છે.

તો આ તરફ ઉત્તર પ્રદેશના ખેડૂત પણ રવિવારે સવારે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર ભેગા થયા. આ તમામ ભારતીય ખેડૂત યુનિયનના બેનર હેઠળ અહીંયા આવ્યા છે. તે કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે સંસદ ભવન જવા માટે જીદે ચડ્યાં છે.

આ બધાની વચ્ચે પૂર્વ દિલ્હીના એડિશનલ ડિસીપી મંજીત શ્યોરાણે ગાઝિયાબાદમાં ભેગા થયેલા લગભગ 200 ખેડૂતો સાથે વાત કરી. ડીસીપીએ જણાવ્યું કે, ખેડૂતો સાથે વાતચીત ચાલી રહી છે. ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે અમે તેમને બુરાડી મોકલવા માટે તૈયાર છીએ. તેમણે હજુ સુધી આની પર નિર્ણય નથી લીધો. જો તે તૈયાર છે તો અમે તેમને બુરાડી મેદાન સુધી લઈ જશું.