ઓટાવામાં હોટેલ ક્વોરોન્ટાઈનનો ઈન્કાર કરનાર પ્રવાસીનો દંડ વધારી પ૦૦૦ યુએસ ડોલર કરાયો

June 05, 2021

  • ૧૪મી એપ્રિલથી ર૪મી મે દરમિયાન ૧૦૦૦થી વધુ પ્રવાસીઓ પાસે દંડ વસૂલાયો
ટોરોન્ટો : કેનેડામાં હવાઈ માર્ગે પ્રવેશનારા પ્રવાસીઓ માટે નિર્ધારિત હોટેલમાં ક્વોરોન્ટાઈનની જોગવાઈ છે. જે પ્રવાસી એનો ઈન્કાર કરે એને પ૦૦૦ યુએસ ડોલરનો દંડ કરવામાં આવશે. આવનારા દરેક પ્રવાસીનો કોવિડ -૧૯ ટેસ્ટ થશે અને રીપોર્ટ આવે ત્યાં સુધી ફરજિયાત હોટેલમાં કવોરોન્ટાઈન રહેવુ પડશે એવો નિયમ અમલમાં છે. જો કોઈ પ્રવાસી ટેસ્ટ કે હોટેલ ક્વોરોન્ટાઈનનો ઈન્કાર કરે તો દરેકના પ૦૦૦ યુએસ ડોલરનો દંડ થાય એવી જોગવાઈ રાખવામાં આવી છે.
આ દંડની રકમ અત્યાર સુધી ૩૦૦૦ યુએસ ડોલર હતો. ફેબ્રુઆરીની રરમી તારીખે સરકારે કેનેડામાં પ્રવેશનારા તમામ પ્રવાસીઓ માટે આગમન સમયે કોવિડ -૧૯નો ટેસ્ટ અને ત્રણ દિવસના હોટેલ કવોરન્ટાઈનનો નિયમ જાહેર કર્યો હતો. 
જો ટેસ્ટમાં પ્રવાસી કોરોના પોઝિટિવ આવે તો બાકીનો ક્વોરોન્ટાઈન સમય પ્રવાસી પોતાના ઘરે કે નક્કી કરેલી જગ્યાએ પુરો કરી શકે એવી જોગવાઈ પણ આ નિયમમાં હતી. હોટેલ કવોરન્ટાઈનનો અંદાજે ર૦૦૦ યુએસ ડોલરનો ખર્ચ પ્રવાસીએ ભોગવવાનો હતો. દંડમાં વધારાની જોગવાઈ સરકારની સલાહકાર સમિતિના અહેવાલને પગલે કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે હોટેલ કવોરોન્ટાઈનને બદલે પ્રવાસીને પોતાના ઘરે જ કવોરન્ટાઈન કરવા જોઈએ. કેમ કે હોટેલના ખર્ચના ર૦૦૦ ડોલર ભરવાને બદલે એ તે સમયનો ૩૦૦૦ ડોલરનો દંડ ભરીને કવોરોન્ટાઈન ટાળવાની કોશિષ કરી શકે છે. 
૧૪મી એપ્રિલથી ર૪મી મે દરમિયાન ૧૦૦૦થી વધુ પ્રવાસીઓને હોટેલ કવોરોન્ટાઈનનો ઈન્કાર કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો અને ૪૦૦થી વધુ એવા પ્રવાસીઓ જેમણે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાનો ઈન્કાર કર્યો હતો. 
જો કે દંડ વધવાથી હોટેલ કવોરન્ટાઈનનો ઈન્કાર નહીં થાય એવું નથી. કેમ કે, કેટલાક પ્રવાસીઓ માને છે કે, હોટેલના રૂમને બદલે કોઈ પરિચિત કે મિત્રના ઘરમાં કવોરોન્ટાઈન થવું વધુ સલામત છે. 
હોટેલમાં કવોરોન્ટાઈનના નિયમોનું પાલન બરાબર કરી શકાતું નથી. વળી ખર્ચનો બોજો પણ પ્રવાસીઓ ઉપર ખોટી રીતે વધી જાય છે.