કોરોના બાબતે અફવા ફેલાવવાનો પહેલો ગુનો પુણેમાં નોંધાયો

March 17, 2020

મુંબઈ : રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ  વધી રહ્યો છે ત્યારે સોશિયલ  મીડિયામાં   અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ પ્રશાસને કરડી આંખ કરી છે.  કોરોના બાબતની અફવા ફેલાવનાર સામે પુણેમાં   પહેલો કેસ નોંધાયો છે. પુણેમાં  આવેલ એક પ્રખ્યાત  હોટલમાં  ઉતરેલા એક વિદેશી નાગરિકને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે તેવી અફવા ફેલાવનાર  એક વ્યક્તિ સામે કોરેગાંવ પાર્કમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોરોના બાબત અફવા ફેલાવવા બાબતે  દાખલ કરવામાં આવેલ આ રાજ્યનો પહેલો ગુનો છે.

પુણેના વિભાગીય કમિશનર ડૉ.દીપક મ્હૈસકરે  સ્વયં આ અફવા ફેલાવનાર  વિરુદ્ધ  બેડગાર્ડન પોલીસમાં   ફરિયાદ નોંધાવી હતી જેની માહિતી તેમણે  પત્રકાર પરિષદમાં  આપી હતી.  હાલ આ વ્યક્તિની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં  તેને   ઝડપી લેવાશે તેવી  આશા પોલીસે વ્યક્ત કરી હતી.

જ્યારે આવા બીજા એક બનાવમાં  યુ ટયુબ ચેનલ પર  મરધીઓને  કારણે કોરોના ફેલાય છે  તેવો વિડીયો અપલોડ કરનાર લોકો સામે પશુસંવર્ધન કમિશનરેટે સાયબર પોલીસને ફરિયાદ કરી હતી.કોરોનાના ભયને લીધે અને આવા વિડીયો, મેસેજ તેમજ અફવાને લીધે પોલ્ટ્રી ઉદ્યોગને  અંદાજે ૬૫૦ કરોડ રૂપિયાનું  નુકશાન થયું છે. કોર્ટની  પરવાનગી બાદ પોલીસે આ સંદર્ભે વધુ તપાસ કરતા એક ૧૬ વર્ષના સગીરે ઉત્તર પ્રદેશથી આ વીડિયો અપલોડ કર્યો હોવાનું  પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું તેથી આ બાબતે વધુ તપાસ  ચાલી રહી છે. જ્યારે બીજા વીડિયો બાબતે  પણ તપાસ ચાલી રહી હોઈ આ વિડીયો આંધ્ર પ્રદેશના રહેવાસીએ અપલોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે.