‘અમારી સાથે રમત રમાઈ, અમે એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકતા દુર્ભાગ્યવશ ભગવાનને શહેરમાં ના લાવી શક્યા’

June 24, 2020

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની પરંપરા તૂટતા રથયાત્રા અંગે જગન્નાથજી મંદીરના મહંત દિલીપદાસજી બાપુનું નિવેદન સામે આવી રહ્યું છે.  રથયાત્રા અંગે દિલીપદાસજી બાપુએ સરકાર પર આરોપ મુકતા જણાવ્યું કે રથયાત્રા મુદ્દે અમારો સરકાર સાથેના સંકલનમાં અમારો ભરોસો તૂટ્યો છે. મહંત દિલીપદાસજીએ એક મોટો આરોપ મૂકતા જણાવ્યું કે એક વ્યક્તિએ અમને રથયાત્રા નીકળવાનું વચન આપી અમારો ભરોસો તોડ્યો છે.

પરંતુ દિલીપદાસજી બાપુએ કોણે ભરોસો તોડ્યો તે વ્યક્તિનું નામ લીધું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે, સવાર સુધી રથયાત્રા નિકાળવાનો અમને પુરેપુરો ભરોસો હતો છતાં છેલ્લે વખતે અમને ખબર પડી કે અમે છેતરાયા છીએ.

આજે ભગવાન જગન્નાથને તેમની ગાદી પર બિરાજમાન કર્યા બાદ રથયાત્રા અંગે મહંત દિલીપદાસજી બાપુ પોતાની મનની વાત કરતા રીતસરના રડી પડ્યા હતા. દિલીપદાસજી બાપુએ જણાવ્યું કે, રથયાત્રા કાઢવા મુદ્દે અમારી સાથે રમત રમાઈ ગઈ છે. અમને જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ હતો કે રથયાત્રા નીકળશે. પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મુક્યો તે સૌ ભક્તો અને અમને ભારે પડ્યો છે. તંત્રમાં સંકલનના અભાવે રથયાત્રા અટકી હોવાનો આક્ષેપ પણ મહંત કરી રહ્યા છે. આ સિવાય  જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન સામે આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, અમારો ભરોસો તૂટ્યો છે. રથયાત્રા કાઢવાની પુરી તૈયારીઓ કરાઈ હતી. સરકાર, ભગવાન, કોર્ટ પર ભરોસો પણ હતો. પરંતુ અમે ખોટા પડ્યા હતા. અમને છેલ્લા સમયે SCમાં જવાનો સમય ના મળ્યો. મંદિરના મહંતો પણ ઈચ્છતા હતા કે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથો દરવાજા સુધી પહોંચે પણ એવું થયું નહોતું..