ગેહલોત જૂથના ધારાસભ્યો જેસલમેર જવા રવાના, 15 દિવસ ત્યાં રહેશે

July 31, 2020

જયપુર : રાજસ્થાનના રાજકીય ડ્રામાનો આજે શુક્રવારે 22મો દિવસ છે. આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથના ધારાસભ્યો જયપુરની જેસલમેર જવા પ્લેનમાં રવાના થઇ ગયા છે. તેઓ 19 દિવસથી આ હોટલમાં રોકાયા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ 14 ઓગસ્ટના વિધાનસભા સત્ર બોલાવ્યું છે. .

બીજી તરફ આજે મુખ્યમંત્રી ફેયરમોન્ટ હોટલમાં ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી શકે છે. ભાજપે ગેહલોત સરકારને સવાલ પૂછ્યો છે. રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીશ પૂનિયાએ ટ્વિટ કરીને કહ્યું કે જો કોંગે્સ સરકારનેકોઇ ખતરો નથી તો ધારાસભ્યોને શા માટે કેદ કરવામા આવી રહ્યા છે ?

સચિન પાયલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ગેહલોતે તેમના ધારાસભ્યોને 13 જુલાઇએ જયપુર પાસે ફેયરમોન્ટ હોટલમાં શિફ્ટ કરી દીધા હતા. મુખ્યમંત્રી, મંત્રી તેમજ ધારાસભ્યો તેમનું કામ હોટલમાંથી જ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોર્સ ટ્રેડિંગથી બચવા માટે ધારાસભ્યોને જેસલમેર શિફ્ટ કરવામા આવી રહ્યા છે. જયપુરમાં ધારાસભ્યો તેમના પરિવારજનોને હજુ મળી રહ્યા છે. તેથી એવી આશંકા છે કે તેમને હોર્સ ટ્રેડિંગનું માધ્યમ બનાવવામા આવી શકે છે. હોટલનો માલિક EDના રડાર પર છે. આ પહેલા પણ અહીં EDની કાર્યવાહી થઇ ચૂકી છે. ધારાસભ્યોએ પણ હોટલ બદલવાની માંગ કરી છે.

CM ગેહલોતે બળવાખોરો પર પ્રહાર કરતા કહ્યું- જે લોકો ગયા છે તેમાંથી ખબર નહીં કેટલા લોકોએ પહેલો હપ્તો લઇ લીધો છે. ઘણાએ પહેલો હપ્તો હજુ લીધો નથી. તેમને પાછા આવી જવું જોઇએ. જે રાતથી વિધાનસભા સત્રની તારીખ નક્કી થઇ તે રાતથી ધારાસભ્યોના ફોન આવવા લાગ્યા છે. હોર્સ ટ્રેડિંગ માટે ધારાસભ્યોના રેટ વધી ગયા છે. પહેલા 10, 15 અને 25 કરોડ કિંમત હતી , હવે અનલિમિટેડ છે. અમિત શાહને સરકાર પાડવાનો ઇરાદો છોડી દેવો જોઇએ.