સામાન્ય જનતાને લાગશે વધુ એક ઝટકો! રેપો રેટમાં વધારો કરશે RBI

September 25, 2022

દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ફુગાવાને કાબુમાં કરવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત અન્ય વૈશ્વિક કેન્દ્રીય બેન્કોનું અનુસરણ કરતા શુક્રવારે સતત ચોથીવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. રિઝર્વ બેન્કે મોંઘવારી કાબુમાં કરવા માટે રેપો રેટમાં મેથી અત્યાર સુધી 1.40 ટકાનો વધારો કર્યો છે. આ દરમિયાન રેપો રેટ ચાર ટકાથી વધી 5.40 ટકા પર પહોંચી ચુક્યો છે. નાણાકીય નીતિ સમિતિ (MPC) 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 0.50 ટકાની વૃદ્ધિનો નિર્ણય કરી શકે છે. જો આ વધારો થશે તો રેપો રેટ વધીને 5.90 ટકા થઈ જશે. 


રેપો રેટમાં મેમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જૂન તથા ઓગસ્ટમાં તેમાં 0.50-0.50 ટકાનો વધારો થયો હતો. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત રિટેલ ફુગાવામાં મેમાં નરમી આવવા લાગી હતી પરંતુ તે ઓગસ્ટમાં સાત ટકાના દરે પહોંચી ગયો. આરબીઆઈ પોતાની દ્વિવાર્ષિક નાણાકીય નીતિ બનાવતા સમયે રિટેલ ફુગાવા પર ધ્યાન આપે છે. આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતાવાળી નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક બુધવારે થશે થશે અને રેટમાં પરિવર્તનનો જે પણ નિર્ણય થશે તેની જાણકારી શુક્રવાર 30 સપ્ટેમ્બરે આપવામાં આવશે.