સરકાર પાસે દેશ ચલાવવા પૈસા જ નથી, ટેક્સ ભરવાનુ કલ્ચર દેશમાં વિકસ્યુ જ નથીઃ પાક પીએમ ઈમરાનખાન

November 24, 2021

નવી દિલ્હી : ભારત સાથે યુધ્ધ કરવાના સપના જોતા પાકિસ્તાનની આર્થિક હાલત સાવ કંગાળ બની ગઈ છે અને હવે ખુદ પીએમ ઈમરાનખાને પણ સ્વીકાર્યુ છે કે, દેશ ચલાવવા માટે સરકાર પાસે પૈસા નથી.બીજા દેશ પાસેથી લોન લેવી પડી રહી છે .

તેમણે કહ્યુ હતુ કે, વધતુ જતુ વિદેશી દેવુ તેમજ ટેક્સની સાવ ઓછી આવક હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ચુકી છે.સરકાર પાસે વેલફેર સ્કીમ ચલાવવા માટે પૂરતા સંસાધનો નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક કાર્યક્રમમાં ઈમરાનખાને કહ્યુ હતુ કે, પૂરતા પૈસા નહીં હોવાની સમસ્યા બહુ મોટી બની ગઈ છે.ટેક્સ નહીં આપવાનુ કલ્ચર સદીઓથી ચાલતુ આવ્યુ છે.

તેમણે અગાઉની સરકારો પર દોષારોપણ કરતા કહ્યુ હતુ કે, 2009 થી 2018 સુધી સરકારોએ સ્થાનિક સ્તરે સંસાધનો ઉભા કરવા પર ધ્યાન આપ્યુ નહોતુ અને લોનનો સહારો લીધો હતો.

તેમણે બ્રિટનની ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, ત્યાંના નેતાઓ લોકોના પૈસાને લઈને જેટલા સંવેદનશીલ હોય છે તે પાકિસ્તાની નેતાઓમાં જોવા મળતુ નથી.બ્રિટનના મંત્રી વિદેશ પ્રવાસે જાય છે તો ઈકોનોમી કલાસમાં મુસાફરી કરે છે.બ્રિટનના વડાપ્રધાન વિદેશમાં પૈસા બચાવવા માટે પોતાના દૂતાવાસમાં રોકાય છે.કમનસીબે પાકિસ્તાનમાં આ પ્રકારનુ કલ્ચર વિકસ્યુ જ નથી.શાસકોએ લોકોને પણ ટેક્સ ચુકવવા ક્યારેય પ્રોત્સાહન આપ્યુ નથી.પાકિસ્તાનના લોકોને સમજવુ પડશે કે ટેક્સના સહારે જ પાકિસ્તાન લોન અને દેવાના વિષચક્રમાંથી બહાર આવી શકશે.