કેનેડા સરકારે ચોક્કસ શરતોને આધિન દેશમાં પ્રવેશ કરતાં ટ્રાવેલર્સ માટે નિયમો હળવા કર્યાં, વેક્સિનેશન પૂરું કરનારને જ એન્ટ્રી મળશે

June 22, 2021

નવી દિલ્હી : કેનેડાના નાગરિકોના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવા કેનેડા સરકારે ઉપલબ્ધ ડેટા અને વૈજ્ઞાનિક પૂરાવાનું સતત નિરીક્ષણ કરી દેશમાં કેનેડાના નાગરિકો, કાયમી રહેવાસીઓ, તથા ભારતીય કાયદા હેઠળ રજિસ્ટર્ડ લોકોના પ્રવેશ માટે એક જવાબદારીપૂર્ણ અને સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે.

કેનેડા સરકારે આજે જાહેરાત કરી છે કે તે કેનેડામાં પ્રવેશ કરનારાઓ માટેના નિયમોને હળવા કરવા જઈ રહી છે. એટલે કે કોવિડ-19નો નેગેટીવ ટેસ્ટ ધરાવતા વેક્સિન લઈ ચુકેલા ટ્રાવેલર્સ કેનેડાની જમીન અથવા હવાઈ માર્ગે દેશમાં પ્રવેશી શકશે તેમ જ તેમને ક્વોરેન્ટીન થવાની જરૂર રહેશે નહીં.

આ સાથે કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે જે લોકોએ ફાઈઝર, મોડેર્ના અથવા એસ્ટ્રાજેનેકાના બન્ને ડોઝ મેળવનાર અથવા તો જેનસ્સેનનો એક ડોઝ મેળવનાર નાગરિકોને સંપૂર્ણ વેક્સિનેટેડ થયા હોવાનું માનવામાં આવશે. 5 જુલાઈ,2021થી કેનેડામાં કાયમી ધોરણે પ્રવેશ કરી રહેલા વેક્સિન મેળવી ચુકેલા ટ્રાવેલર્સે ક્વોરેન્ટીન થવાની અથવા 8માં દિવસે કોવિડ-19 ટેસ્ટ કરવાની જરૂર રહેશે નહીં.

ઈન્ટરગવર્મેન્ટલ બાબતના મંત્રી ડોમિનિક લીબ્લેંકે જણાવ્યું હતું કે કેનેડાની સરહદમાં પ્રવેશ કરવાને લગતા નિયમ હળવા કરવાનો આ પ્રથમ તબક્કાનો સાવચેતીનો અભિગમ છે. કેનેડા આવનાર મુસાફરો સરહદ પર આવે તે અગાઉ એરિવકેન એપ પર તેમની વેક્સિનને લગતી માહિતી રજૂ કરવી જરૂરી બનશે. અલબત નવા પગલાંનું પાલન કરવું જરૂરી બનશે, વેક્સિન મેળવી ચુકેલા ટ્રાવેલર્સે આગમન અગાઉ અને આગમન સમયે ટેસ્ટિંગ સહિતના અન્ય કેટલાક આવશ્યક પગલાંનું પાલન કરવું જરૂરી બનશે.

જો કોઈ વ્યક્તિ કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ ધરાવે અને સંપૂર્ણપણે વેક્સિન મેળવી લીધી હોય તો તેવા સંજોગોમાં ક્વોરેન્ટીન થવા, સરકારની અધિકૃત હોટેલમાં રોકાવા તથા આઠમા દિવસે કોવિડ-19 ટેસ્ટ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ ઉપરાંત જેઓ કોવિડ-19 વેક્સિન માટે યોગ્યતા ધરાવતા નથી તેવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અથવા આંશિક પ્રમાણમાં વેક્સિનેટેડ થયા હોય તેમણે ટ્રાવેલને લગતા નિયંત્રણોનો સામનો કરવો પડશે. બીજી બાજુ એવા લોકો કે જેમનું વેક્સિનેશન થયું નથી અથવા આંશિક પ્રમાણમાં વેક્સિનેશન થયું છે તેમની પરના નિયંત્રણો યથાવત જ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાથી આવી રહેલા હોય તેવા કેનેડામાં કાયમી ધોરણે સેટલ થનારાઓને જ 18 માર્ચ,2020 બાદ ઈશ્યુ થયેલા કન્ફર્મેશન ઓફ પર્મનેન્ટ રેસિડેન્સ (COPR)ની માન્યતા ધરાવનારને જ કેનેડમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ સાથે સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જે ભારતથી સીધી કેનેડા આવતી ડાયરેક્ટ કોમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઈટ્સ પર પણ 21 જુલાઈ સુધી પ્રતિબંધ રહેશે.