સરકારે મોંઘવારી પર ધ્યાન આપવુ જોઈએ નહીંતર 2024માં મોંઘવારી સરકારને ખાઈ જશે : બદરુદ્દીન અજમલ

August 06, 2022

નવી દિલ્હીઃ દેશમાં વધતી મોંઘવારીને મુદ્દે એક તરફ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતી રહે છે, તો હવે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરતા કહ્યુ કે ભારતના રૂપિયા નાણા મંત્રી પાસે છે. તેમને કેવી રીતે સમજાશે કે એક સામાન્ય વ્યક્તિનો ખર્ચ કેટલો હોય છે. મૌલાના બદરુદ્દીન અજમલે કહ્યુ, ભાજપના કોઈ મંત્રી માટે મોંઘવારી નથી. ભાજપ સાંસદોએ પોતાની પત્નીઓને પૂછવુ જોઈએ કે તેઓ રસોડુ કેવી રીતે ચલાવી રહ્યા છે. સરકારે આ વિશે ધ્યાન આપવુ જોઈએ નહીં તો 2024માં મોંઘવારી સરકારને ખાઈ જશે.
મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. અમુક સમય પહેલા મોંઘવારી-મોંઘવારી કરીને જ ભાજપ સત્તામાં આવી હતી. હવે ગરીબોની કમર તૂટી ગઈ છે. મહિલાઓને ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી. ડીઝલના ભાવ આસમાને છે. બજારમાં શાકભાજી-દાળ, ચોખા બધુ જ મોંઘુ થઈ ગયુ. 100 ટકા કરતા વધારે મોંઘુ થઈ ગયુ. સીતારમણ જી નાણામંત્રી છે. બધા રૂપિયા તેમની પાસે છે. તેઓ રિઝર્વ બેન્કના માલિક છે. તેમને કેવી રીતે ખબર પડશે કે રસોઈયો કેટલા રૂપિયામાં કઈ વસ્તુ લાવે છે. કોઈ કેબિનેટ મંત્રીને ખબર નહીં પડે કે ઘર કેવી રીતે ચાલે છે. તેમને તો સારૂ ભોજન મળે છે.