કંપનીઓનાં ફ્લેશ સેલ પર પ્રતિબંધની વિચારણા સરકાર હવે ઈ-કોમર્સનાં નિયમો કડક બનાવશે

June 23, 2021

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈ -કોમર્સ કંપનીઓ અને વેપારીઓ માટે નિયમો કડક બનાવ્યા છે. સરકારે જણાવ્યું હતું કે, ફ્લેશ સેલના નામે ગ્રાહકો સાથે થઈ રહેલી છેતરપિંડી અટકાવવા માટે સરકારે કડક નિયમો લાવવા તૈયારી કરી છે. ચીજવસ્તુઓ તેમજ સર્વિસિસનાં બોગસ વેચાણને નિયંત્રિત કરાશે અને ગ્રાહકોની ફરિયાદને આધારે કાયદા મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે. ગ્રાહકોને મહત્તમ લાભ આપતા ડિસ્કાઉન્ટ સેલ્સને ચાલુ રાખવામાં આવશે પણ ઈ-કોમર્સ પર બોગસ ફ્લેશ સેલને મંજૂરી અપાશે નહીં. સરકાર દ્વારા સૂચવેલા ઈ કોમર્સ નિયમો ફાઈનલ નથી તેથી વેપારીઓએ હાલ ચિંતા કરવાની જરૂર નથી તેમ ગ્રાહક બાબતોનાં મંત્રાલયનાં એડીશનલ સેક્રેટરી નિધિ ખરે એ જણાવ્યું હતું. સરકારને ઈ-કોમર્સ તેમજ ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડી માટે ગ્રાહકો દ્વારા અસંખ્ય ફરિયાદો મળી હતી. ગેરવાજબી વેપાર રીતિ અપનાવવાની ફરિયાદો કરાઈ હતી. આ પછી ગ્રાહકોને ઓનલાઇન ખરીદીમાં રક્ષણ આપવા સરકારે નિયમો વધુ કડક બનાવવાનું નક્કી કર્યું હતું. નવા નિયમોથી વેપારમાં મુક્ત અને ન્યાયી સ્પર્ધાનું સર્જન થશે.
સૂચિત સુધારા માટે ઈ-કોમર્સ કંપનીઓએ કોઈપણ કાયદા હેઠળ ગુનાઓ રોકવા માટે કે ગુનાની તપાસ માટે કે સરકારી એજન્સીનો આદેશ મળ્યા પછી ૭૨ કલાકમાં તેની સરકારને જાણ કરવાની રહેશે. સરકારનો ઇરાદો ઈ-કોમર્સ સેક્ટરમાં પારદર્શકતા લાવવાનો છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, કેન્દ્રનાં ગ્રાહક બાબતો અંગેના વિભાગ દ્વારા કન્ઝયુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) નિયમો ૨૦૨૦માં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં ગ્રાહકોનાં હિતોની સુરક્ષા માટે ઈ-કોમર્સ કંપનીઓ માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ૬ જુલાઈ સુધીમાં સરકારે આ મુદ્દે લોકો પાસેથી પણ અભિપ્રાયો મંગાવ્યા છે.