સુરત ડાયમંડ બુર્સની હાઇ ડિમાન્ડ, એક-એક ઓફિસ માટે વેપારીઓ ખર્ચી રહ્યા છે ધૂમ રૂપિયા

January 29, 2022

ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે તૈયાર થઈ રહેલા સુરત ડાયમંડ બુર્સ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. હવે જ્યારે થોડાં સમયમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન થવાની તૈયારી છે ત્યારે તેમાં ઓફિસ મેળવવા માટે વેપારીઓની લાઇન લાગી રહી છે. અગાઉ જ્યારે ઓફિસોનું વેચાણ રૂ.8000 પ્રતિ સ્કેવર ફીટ પર થઇ રહ્યું હતું જેની સામે આજે 30 હજાર થી પણ વધુનો ભાવ સામે આવી રહ્યો છે. જે હીરા વેપારીઓનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળે છે. 

હાલમાં સુરત ડાયમંડ બુર્સ દ્વારા 30 ઓફિસોનું ઇ-ઓક્શન યોજવામાં આવ્યું હતું. જેને અકલ્પનિય રીતે જંગી પ્રતિસાદ મળ્યો છે. SDB ઇ-ઓક્શનમાં વેચાણ માટે મુકવામાં આવેલી તમામ ઓફીસનું વેચાણ થઈ ચુક્યું છે. આ ઓકશનમાં ઓફીસની કિંમતને લઈને એક પછી એક અનેક નવા કિર્તિમાન સ્થાપિત થયા છે.અન્ય એક બીજી ઓફીસનું પ્રતિ સ્કવેર ફીટ 30800ની હાઈએસ્ટ કીંમતે થયુ વેચાણ.

પ્રતિ સ્કવેર ફીટ 30800ની હાઈ એસ્ટ કીંમત
28 જાન્યુઆરીના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ જણાવ્યા અનુસાર એક  ઓફીસનું 27500ની ઉંચી કિંમતે વેંચાણ થયું છે. જેની GST સાથે પ્રતિ સ્કવેર ફીટ 30800ની હાઈ એસ્ટ કીંમત થાય છે. કમિટીએ કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીનું ઉમદા પરિણામ મળતા અત્યંત આનંદીત છીએ. ડાયમંડ વેપારી નિલેશ બોડકીએ કહ્યું કે SDB ઇ-ઓક્શનમાં કુલ 30 ઓફીસ માટે ઇ-ઓક્શન રાખવામાં આવ્યું હતું. એ તમામ ઓફીસનું કમિટીની ધારણા કરતા અનેક ગણી ઉંચી કિંમતે વેચાણ થયું છે. તેમણે ઉમેર્યુ કે SDB ઇ-ઓક્શનને મળેલા જંગી પ્રતિસાદ અને ઉંચી કિંમતથી સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ સહીત સમસ્ત કમિટીના ઉત્સાહમાં વધારો થયો છે.

સુરત ડાયમંડ બુર્સની અગત્યતા વધી રહી છે
સુરત ડાયમંડ બુર્સની ઓફીસની ઉંચી કીંમતથી એક વાતનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે સુરત ડાયમંડ બુર્સની અગત્યતા વધી રહી છે. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે. અંતમાં બોડકીએ કહ્યું કે કમિટીએ કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીનું આ પ્રકારે ઉમદા પરિણામ મળતા અત્યંત આનંદીત છીએ.