ઇરાકમાં અડધી રાતે આર્મી પોસ્ટ પર ISનો ભયાનક હુમલો, 11 સૈનિકોના મોત

January 21, 2022

ઇરાકના પૂર્વી પ્રાંત દિયાલામાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા રાતે કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 11 ઇરાકી સૈનિકો માર્યા ગયા હતા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ હુમલો મધ્યરાત્રિ પછી થયો હતો. IS આતંકવાદીઓએ દિયાલાની પ્રાંતીય રાજધાની બકુબાથી લગભગ 60 કિમી ઉત્તરમાં ઉદીમ વિસ્તારમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો.


આતંકીઓએ ઘટનાસ્થળેથી ભાગતા પહેલા એક અધિકારી સહિત 11 સૈનિકોને મારી નાખ્યા હતા. તેમણે પુષ્ટિ કરી કે અચાનક કરેલા હુમલાથી સૈનિકો ચોંકી ગયા હતા કારણ કે આતંકીઓએ વાતાવરણમાં ઠંડી વધવાનો લાભ લઈને લશ્કરી ચોકી પર હુમલો કર્યો હતો. હુમલા બાદ દિયાલા પ્રાંતમાં ઇરાકી સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે, જ્યારે પ્રાંતીય ઓપરેશન કમાન્ડના ઉચ્ચ સ્તરીય સુરક્ષા અધિકારીઓએ ઘટનાની જાણ મળતા જ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.


ગયા મહિનાઓમાં, IS આતંકવાદીઓએ એ પ્રાંતોમાં ઇરાકી સુરક્ષા દળો સામે તેમના હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે, જ્યાં પહેલા આતંકવાદીઓનું નિયંત્રણ હતું. આ હુમલાઓમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.