મધ્યપ્રદેશમાં જે હોસ્પિટલ અસ્તિત્વમાં જ નથી તેણે ખરીદી લીધા રસીના 10 હજાર ડોઝ

June 09, 2021

મધ્યપ્રદેશમાં કોવિશીલ્ડ વેક્સિનના 10 હજાર ડોઝ ગાયબ થઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ટીકાના ડોઝ જબલપુરના જે મેક્સ હેલ્થ કેર હોસ્પિટલના નામે ખરીદવામાં આવ્યા હતા, તે અસ્તિત્વમાં છે જ નહીં. બે દિવસ સુધી આ હોસ્પિટલની તપાસ કરવામાં આવી. પણ તંત્રને ક્યાંય હોસ્પિટલ મળી નહીં. હવે કોણે આ રસી ખરીદી અને કેવી રીતે તેને લઈને મોટો સવાલ ઉભો થયો છે.
મધ્યપ્રદેશમાં કુલ છ પ્રાઈવેટ હોસ્પિટલોએ સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસેથી સીધા જ કોવિશીલ્ડ રસી ખરીદી છે. આ 6 હોસ્પિટલોએ કુલ 43 હજાર ડોઝ ખરીદ્યા છે. તેમાં જબલપુરની મેક્સ હેલ્થકેર હોસ્પિટલ દ્વારા 10 હજાર ડોઝ ખરીદવામાં આવ્યા છે. એક વાયલમાં 10 ડોઝ રહે છે.
જિલ્લા રસીકરણ અધિકારી ડો. શત્રુધ્ન દાહિયાએ જણાવ્યું કે બે દિવસ પહેલાં જ વેક્સિનેશન એપ પર મેસેજ મળ્યો કે જબલપુરની મેક્સ હોસ્પિટલને 10 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ હોસ્પિટલનું નામ પહેલીવાર સાંભળતાં જ હેરાની થઈ. બે દિવસ સુધી આ હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવ્યા પણ રેકોર્ડમાં આ હોસ્પિટલનું નામ ક્યાંય નથી. ભોપલાના અધિકારીઓને પણ તપાસ માટે આદેશ આપરવામાં આવ્યા છે. કોઈ શરારતી તત્વોએ આ ષડયંત્ર રચ્યું છે કે હોસ્પિટલે ખોટી જાણકારી આપી છે તેને લઈ અધિકારીઓને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત દહિયાએ કહ્યું કે, સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસે પણ માહિતી માગવામાં આવી છે.
10 હજાર ડોઝ માટે 60 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હશે. આટલી મોટી રકમ આપતી વખતે હોસ્પિટલે ખોટી જાણકારી કેમ આપી હશે. તેવામાં હવે પ્રાઈવેટ હોસ્પિટલોમાં રસીની ખરીદીને લઈને મોટા સવાલ સામે આવી રહ્યા છે.