અગ્નિપથ આંદોલનની અસર, અમદાવાદ જતી-આવતી 5 ટ્રેનો રદ કરાઈ

June 20, 2022

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ‘અગ્નિપથ યોજના’નો દેશના વિવિધ રાજ્યોમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભારતીય સેનામાં સૈનિકોને 4 વર્ષ માટે ભરતી વાળી આ યોજનાને સરકાર સારી ગણાવી રહી છે, તો બીજી તરફ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ટ્રેનોમાં આગચંપી કરવામાં આવી રહી છે, તો પ્લેટફોર્મમાં તોડફોડ કરવામાં આવી રહી છે. જેના કારણે રેલવે દ્વારા અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

બિહારમાં જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહેલાં આંદોલનના પગલે અમદાવાદથી ઉપડનારી ૩ ટ્રેન તેમજ બિહારથી આવનારી 2 ટ્રેન મળીને કુલ 5 ટ્રેનોને અસર પડી છે. પશ્વિમ રેલવેએ રવિવારે બિહારના શહેરોથી આવતી અને જતી ટ્રેન પર અસર પડતાં ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 19મી જૂને અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 (અમદાવાદ- પટના એક્સપ્રેસ) તેમજ ટ્રેન નંબર 19165 ( અમદાવાદ- દરભંગા એક્સપ્રેસ) રદ કરવામાં આવી છે.

20મી જૂને ઉપડનારી ટ્રેન નંબર 19483 (અમદાવાદ- બરૌની એક્સપ્રેસ)ને પણ રદ કરવામાં આવી છે. જ્યારે 21મી જૂને બિહારના પટનાથી આવનારી ટ્રેન નંબર 19422 (પટના- અમદાવાદ એક્સપ્રેસ) સહિત 22મી જૂને ટ્રેન નંબર 19484 (બરૌની- અમદાવાદ એક્સપ્રેસ)ને પણ રદ કરવામાં આવી છે.