વિદ્યાર્થીઓ પર બોર્ડ પરીક્ષાનું દબાણ ના વધારો : વડાપ્રધાન

April 08, 2021

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે તેમના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લેવા ૧૪ લાખ વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓએ નોંધણી કરાવી હતી.કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો ઉત્તર પણ આપ્યા હતા. પરીક્ષા વખતના માનસિક તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીએ સલાહ સુચના આપી હતી. વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડ પરીક્ષાના તણાવનું વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોર્ડ પહેલાં પણ પરીક્ષા આપતા રહે છે. પરંતુ બોર્ડ પરીક્ષા પહેલાં તેમને એવું સમજાવવામાં આવે છે કે બોર્ડ પરીક્ષા જ સર્વસ્વ છે. તેથી તેમનામાં ડરની ભાવના ઉભી થાય છે. તેમણે વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓ પર બોર્ડ પરીક્ષા મુદ્દે માનસિક દબાણ ના બનાવવા અનુરોધ કરતાં કહ્યું હતું કે બાળકો પર માનસિક દબાણ ઉભું કરવું ખુબ ખોટું છે. જીવનનો કોઇ આ આખરી મુકામ નથી. જીવન ખુબ લાંબું છે. કસોટી એટલે પોતાની જાતને કસવી. પરીક્ષા એટલે લાંબા જીવનમાં માટે પોતાની જાતને કસવાની તક.