17 મેથી કીવથી ફરી કામ શરૂ કરશે ભારતીય દૂતાવાસ

May 14, 2022

મોસ્કો  : રશિયા-યુક્રેન યુદ્ધ બે મહિનાથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી રશિયન સેના યુક્રેન પર કબજો કરવામાં નિષ્ફળ રહી છે. અહીં તેમને ઘણું નુકસાન થયું છે. જેના કારણે તેમને અનેક વિસ્તારોમાંથી પીછેહઠ કરવા મજબૂર થવું પડ્યું છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે 17 મેથી ફરી કીવથી દૂતાવાસથી કામ શરૂ કરવા જઈ રહ્યું છે. રશિયા સાથે યુદ્ધ શરૂ થયા પછી દૂતાવાસને 13 માર્ચથી હંગામી ધોરણે વોરસૉ(પોલેન્ડ)માં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું.

રાજધાની કીવ પછી હવે રશિયાના સૈનિકો યુક્રેનના બીજા મોટા શહેર ખાર્કિવમાંથી પાછળ હટી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે ક્રેમલિન સંભવિત રીતે દક્ષિણ-પૂર્વમાં સૈનિકોની તહેનાતી કરશે. અહીં ઈઝુમમાં પોતાની સેનાને મજબૂત કરશે. રશિયાએ ઈઝુમ પર ગત મહિને કબજો કરી લીધો હતો.

આ તરફ, યુદ્ધની શરૂઆત પછી પ્રથમવાર કોઈ રશિયન સૈનિકની વિરુદ્ધ યુદ્ધ અપરાધના આરોપમાં કેસ ચલાવાશે. યુક્રેનના નાગરિકની હત્યા કરવાના મામલે એક રશિયન સૈનિક વિરુદ્ધ દાખલ કેસ પર આજે સુનાવણી થશે.