ઈથોપિયાના વિમાને ભૂલથી બાંધકામ હેઠળના એરપોર્ટ પર ઉતરાણ કર્યું

April 07, 2021

અડિસ અબાબાઃ ઈથોપિયન એરલાઈન્સના વિમાન ઈટી૩૮૯૧એ રવિવારે ૪થી એપ્રિલે ઈથોપિયાના અડિસ અબાબાથી ઝામ્બિયાના એનડોલા ખાતે સિમોન એમવાન્સા કાપ્વેપ્વે એરપોર્ટ જવા ઉડ્ડયન કર્યું હતું. જોકે, વિમાને તેના ગંતવ્ય સ્થળથી ૧૫ માઈલ દૂર કોપરબેલ્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, જે હજુ તો બાંધકામ હેઠળ છે. ઝામ્બિયાની ફ્લાઈટ રડાર૨૪ની ફ્લાઈટ ટ્રેકિંગ ઈન્ફર્મેશને વિમાનનો રૂટ કોપરબેલ્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દર્શાવ્યો હતો. ઉડ્ડયન વેબસાઈટ વન માઈલ એટ એ ટાઈમ પર આ ઘટનાના વીડિયોમાં દર્શાવાયું છે કે કાર્ગો બાંધકામ હેઠળના રનવે પર ઉતરાણ કરે છે અને વિમાનના આવવાથી ત્યાંના કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઝામ્બિયન પરીવહન મંત્રાલયના કાયમી સચિવ મિશેક લુન્ગુએ જણાવ્યું હતું કે, પાયલટે ભૂલથી બાંધકામ હેઠળના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. પાયલટ ઉતરાણ કરી રહ્યો હતો ત્યારે તેણે રડાર સાથે સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે અમે તમને જોઈ શકતા નથી. તેથી તેણે બાંધકામ હેઠળના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. પાછળથી વિમાન તેના મૂળ ગંતવ્ય સ્થળે પહોંચી ગયું હતું.