10 જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

January 05, 2022

નર્મદાઃ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં  શાહે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.


જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પોલીસ અધિકક્ષક સુશ્રી વાણી દુધાત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમના પ્રોજેક્ટ મેનેજર અજીત જોષી ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા દરમિયાન અપાયેલી જાણકારી મુજબ તા.૧૦ મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.