પાકિસ્તાનનું ષડયંત્ર! ડ્રોન મારફતે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મોકલી રહ્યું છે હથિયાર

July 25, 2021

જમ્મુ ઃ જમ્મુ કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગસિંહે રવિવારે કહ્યું હતું કે, ભારત-પાક સરહદ પર ડ્રોન દ્વારા ઉપરથી ફેંકવામાં આવેલ આઈઈડીને જમ્મુ ક્ષેત્રના ગીચવાળા બજારમાં વિસ્ફોટ કરવાનો હેતુ હતો અને આ જણાવે છે કે પાકિસ્તાન ફેબ્રુઆરીમાં થયેલ યુદ્ધવિરામ કરારનું પાલન કરી રહ્યુ નથી. પાકિસ્તાન સતત આતંકીઓને હથિયાર મોકલી રહ્યું છે.
સિંહે જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી જૂથો પાસે હથિયારો અને દારૂગોળોની અછત સર્જાય છે, કારણ કે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી જૂથોના સક્રિય સભ્યોના મોડ્યુલોના ઘણા લોકોની ધરપકડ કરી તેને રોકવામાં સફળતા મળી છે.
તેમણે કહ્યું કે, ગયા વર્ષે સપ્ટેમ્બરથી પાકિસ્તાનના રાજ્ય પ્રાયોજિત કેટલાક તત્વો હથિયારો, દારૂગોળો અને અહીંયા સુધી કે રોકડ રકમ છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે જેથી આતંકવાદી જૂથોની માગને પુરી કરી શકાય. 23 જુલાઈએ જમ્મુ-કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જમ્મુ ક્ષેત્રના કનાચક વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલ એક ડ્રોનને પકડી પાડ્યું હતું.
સિંહે કહ્યું કે ડ્રોનમાં પાંચ કિલોગ્રામ વજનનું આઈઈડી હતું જે વાપરવા માટે લગભગ તૈયાર હતું. પોલીસ મહાનિર્દેશકએ કહ્યું કે ગુપ્તચર એજન્સીઓએ સંકેત આપ્યો છે કે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી જૂથ જમ્મુના ભીડવાળી જગ્યા પર વિસ્ફોટ કરવા માંગે છે જેથી મહત્તમ જાનહાનિ થાય.
પોલીસ વડાએ કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર અમલમાં આવેલા યુદ્ધવિરામ કરાર છતાં, પાકિસ્તાનના કેટલાક રાજ્ય-પ્રાયોજિત તત્વો હથિયારો, દારૂગોળો અને રોકડ રકમની સપ્લાય ચેન જાળવવા પ્રયાસ કરી રહ્યા છે, જમ્મુ અને કાશ્મીરમાં સક્રીય પાકિસ્તાની આતંકવાદી જૂથોને મદદ કરી રહ્યા છે