PMની સુરક્ષાનો મુદ્દો એકપક્ષીય તપાસના ભરોસે ન છોડાય: સુપ્રીમ

January 13, 2022

નવી દિલ્હી : સુપ્રીમકોર્ટે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક અંગે તપાસ માટે સુપ્રીમકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના અધ્યક્ષપદે પાંચ સભ્યની સમિતિ રચી છે. મોદીની સુરક્ષામાં ચૂક માટે કોણ જવાબદાર છે અને કેટલી હદે જવાબદાર છે, ભવિષ્યમાં આવશ્યક સુરક્ષાના શું ઉપાય હોઇ શકે તે મામલે સમિતિ તપાસ કરશે. સમિતિ બંધારણીય હોદ્દા સંભાળતા લોકોની સુરક્ષા મુદ્દે સૂચનો પણ કરશે.

ચીફ જસ્ટિસ એન. વી. રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકથી ઊઠેલા સવાલોને એકપક્ષીય તપાસના ભરોસે ન છોડી શકીએ. તપાસની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે એ જરૂરી છે કે ન્યાયિક રીતે પ્રશિક્ષિત વ્યક્તિ તપાસ પર દેખરેખ રાખે. સમિતિમાં એનઆઇએ કે ડીજી કે તેમના દ્વારા નોમિનેટ કરાયેલા આઇજી રેન્કના અધિકારી સામેલ હશે. ચંદીગઢના ડીજીપી, પંજાબના એડીજીપી (સુરક્ષા) અને પંજાબ-હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ ટીમમાં સામેલ છે.

હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે જે ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ સંરક્ષિત કર્યા છે તે સમિતિને સોંપાશે. સમિતિએ તપાસ શક્ય તેટલી જલદી પૂરી કરીને રિપોર્ટ સોંપવાનો છે. નોંધનીય છે કે 5 જાન્યુઆરીએ પંજાબના ભટિન્ડામાં એક ફ્લાયઓવર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને કેટલાક ખેડૂતોએ અટકાવ્યો હતો.

ભાજપે આક્ષેપ કર્યો કે પંજાબ પોલીસ દેખાવકારોને હટાવવામાં નિષ્ફળ રહી અને પીએમના કાફલામાં તહેનાત એસપીજીને પણ તેની જાણ ન કરાઇ. તેના કારણે કાફલો 15-20 મિનિટ સુધી થંભી ગયો. લાયર્સ વોઇસ નામની એક સંસ્થાએ અરજી દાખલ કરીને આ મામલે તપાસની માગ કરી હતી.