30 વર્ષમાં ઇંગ્લેન્ડમાં સૌથી મોટી રેલ હડતાળ, ટ્રાવેલ નેટવર્ક ખોરવાઈ ગયું

June 22, 2022

- સતત વધતા ફૂગાવા અને ભાવ વધારાને લીધે સ્ટાફે પગાર વધારો માગ્યો : સાથે નોકરીની સલામતીની પણ માગ કરી
લંડન : મંગળવારથી છેલ્લા ૩૦ વર્ષમાં ઇંગ્લેન્ડમાં પડેલી સૌથી મોટી રેલ હડતાલ શરૃ થઈ ગઈ છે. તે સાથે લાખ્ખો કોમ્યુટર્સ અને પેસેન્જર્સને પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે. આ સાથે ઉદ્યોગોને પણ મુશ્કેલી વધી છે, કારણ કે કોલસા અને ડીઝલથી શરૃ કરી કાચા અને પાકા બંને પ્રકારના માલની હેરાફેરી જ બંધ થઈ ગઈ છે. ઉદ્યોગોને બીજી ભીતિ તો તે લાગે છે કે આ પ્રચંડ રેલ હડતાલને પગલે દેશના ઉદ્યોગોમાં પણ હડતાલનો વાયરો ન ફૂંકાય.


ઇંગ્લેન્ડના ૪૦ હજાર જેટલા રેલ કર્મચારીઓ સતત વધી રહેલા ભાવ અને સતત ઉંચે જતા ફુગાવાને લીધે પોતાને પડતી આર્થિક મુશ્કેલીઓ માટે પગાર વધારાની માગણી કરી રહ્યા છે. તેઓ મંગળવારે, ગુરુવારે અને શનિવારે સવારથી એકઠા પણ થવાના છે, પરંતુ કામ ઉપર ચઢવાના નથી. ઇંગ્લેન્ડનાં દરેક સ્ટેશનો સૂમસાન બની ગયા છે. લંડનની અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો પણ લગભગ બંધ છે.

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોનસન ઉપર દેશનાં નાગરિકોની આ ફુગાવા અને ભાવવધારા સામે રાહત આપવા સતત દબાણ થઈ રહ્યું છે. એક તરફ કોવિડ મહામારીને લીધે દુનિયાભરનાં અર્થતંત્રોને પડેલા ફટકા સાથે બ્રિટનને પણ સહન કરવું પડયું છે. તેવામાં હજી અર્થતંત્ર પુરું પાટે નથી ત્યાં જ આ રેલવે હડતાલે ભારે મોટો ફટકો માર્યો છે. તેઓએ કહ્યું અત્યારે સમય સહુને ગળે ઉતરે તેવા સમાધાનનો છે, માટે હડતાલ પાછી ખેંચી લો. તે સામે મજૂર સંઘોએ કહ્યું આ હડતાળથી દેશમાં અસંતોષના ઉનામાની ખબર પડી જશે. શિક્ષકો, મેડીકો (દાકતરો), સફાઈ કામદારો અને વકીલો અને અન્ય ઉદ્યોગોના કામદારો પણ ૧૦%થી પણ વધી રહેલા ફુગાવા અને સતત વધતા ભાવ વધારાથી તંગ આવી ગયા છે.