સ્વભાવ-પ્રકૃતિ જાણી સારવારની નવીનતમ્ પધ્ધતિ 

April 30, 2022

  • અમેરિકા સહિતના દેશોમાં ફાર્માકોજીન્સના પરિક્ષણો બાદ દવા આપવાની પદ્ધતિની શરુઆત 
  • આ પદ્ધતિમાં કઇ દવા કામ કરશે અને કેવી અસર કરશે? કેટલા ઝેરી તત્ત્વો ફેલાશે? લિવરમાં કેવી રીતે પચશે?  કેટલી માત્રામાં દવા આપવી પડશે? વગેરે બાબતો અગાઉથી નક્કી કરી શકાશે
     

આજકાલ આપણે જાણીએ છીએ કે કૃષિ જમીનની પ્રકૃતિ, સ્વભાવ અથવા પ્રકાર લેબોરેટરી ટેસ્ટ કરાવીને જાણી શકાય છે. લેબ. ટેસ્ટિગ દરમિયાન આપણે જમીન કયા પ્રકારની છે અને તેમાં કેટલા ખાતર અને પાણીની જરૂર છે અને તે પ્રમાણે કયો પાક ઉગાડી શકાય ત્યાં સુધીની જાણકારી વૈજ્ઞાનિકોના સંશોધનોને કારણે આજે મેળવી શકાય છે. માનવીના શરીરનું પણ એવું જ છે. વિજ્ઞાને અત્યાર સુધી કયા પ્રકારની બીમારીમાં કઇ દવા કારગત નીવડે તે વિશે ચોક્કસ પ્રમાણ સાથે દવા અને સારવાર પદ્ધિતિ આપી છે. પરંતુ કારગત નીવડે એવી દવાઓના પ્રકાર પણ વધ્યા છે. અનેકને બદલે માત્ર એક જ રામબાણ દવા હોય છતાં કેટલાક દર્દી માટે તે દવા ખાસ લાભદાયી રહેતી નથી, જેટલી બીજા દર્દીઓ માટે તે ફાયદેમંદ રહી હોય.
કોઇક લોકોના શરીર પર તેની બિલકુલ અસર થતી નથી અથવા કોઇક જુદા પ્રકારની અસર થાય છે.  કેટલીક વખત ઘણી દવાઓનું રિએકશન આવે, સાઇડ ઇફેકટસ આવે, એ રીતે અમુક વ્યકિતને અમુક ખોરાકની પણ અસર થતી રહે છે. અનેક માણસોને ઘણી એવી ચીજોની એલર્જી હોય છે જે બીજાઓના શરીરને બિલકુલ માફક આવે છે. એ ચીજો આરોગ્યા પછીના અનુભવો દ્વારા તેનો ખ્યાલ આવે છે. અગાઉ અનેક બાળકો આંબલી-કાતરી ખાઇને ધનુર્વા (ટીટેનસ)નો શિકાર બનતાં હતાં. હવે આ જ ચીજો ઔષધી બનાવવામાં પણ ઉપયોગમાં લેવાઈ છે. ખાધા અગાઉ માણસને ખબર પડી જતી હોત કે, આ ચીજ ખાવાથી આરોગ્ય બગાડશે, તો તેને ખાતુ જ નહીં હોત. પરંતુ હવે કોઇ શારીરિક તકલીફ લાગુ પડે તે પછી એલર્જીને લગતાં વિસ્તૃત પરીક્ષણો, ટેસ્ટ કરાવાય ત્યારે ચોક્કસ નિષ્કર્ષ નીકળે છે. આ એક કંટાળાજનક પ્રોસીજર છે, પણ ઘણાને કરાવવા પડે છે.  જો એ રીતે આપણે જાણતા હોઈએ કે અમુક કષ્ટસાધ્ય બીમારીમાં આ દર્દીને આ દવા જ માફક આવશે અને બીજા દર્દીને બીજી દવા અને 
ત્રીજા દર્દીને ત્રીજી દવા માફક આવશે તો તે તમામ દર્દીને સત્વરે સટીક સારવાર આપી શકાય. અસર ન કરે એવી દવાઓના ડોઝ દરદીને આપીને લાંબા સમય, નાણાં અને તબિયતનો બગાડ ઝડપથી અટકાવી શકાય. અમુક જ દવા અમુક માણસને માફક આવે છે. પરંતુ હવે જે તે માણસની પ્રકૃતિ કે શારીરિક સ્વભાવને અગાઉથી જાણી લઇને એને માફક આવે એવી જ દવાથી સારવારની પદ્ધતિ તરફ સંશોધકો આગળ વધી રહ્યા છે. ઘણા લોકોની કેન્સરની ગાંઠ દૂર કરવામાં તબીબો સફળ રહે છે. પરંતુ ત્યારબાદ કિમોથેરપીની સારવાર આપવામાં આવે છે તેનું અમુક દરદીઓને તીવ્ર રિએકશન આવે છે. તેઓએ 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે.  જો કે બધાને એટલું સખત રિએકશન આવતું હોતું નથી. જો આ દર્દીને કિમોથેરપી આપતા અગાઉ અમુક ટેસ્ટ કરાવ્યા હોય તો રિએકશનને ટાળી શકાય. આ ટેસ્ટમાં લિવરના એન્ઝાઇમના કોડ ધરાવતા જીનનું પરીક્ષણ કરાય છે. આ એન્ઝાઇમ ‘ડિહાઇડ્રોપાઇરિમિડિન ડિહાઇડ્રોજિનેસ’ તરીકે ઓળખાય છે. એન્ઝાઈમો પાચક તત્ત્વો રૂપે કામ કરે છે અને અમુક દવાઓનું યોગ્ય રીતે પાચન કરી તેને શરીર પર કામ કરતી બનાવે છે, લોહીમાં ભેળવે છે. 
આજે ખાસ એન્ઝાઇમ છે તે કેન્સરને લગતી કેટલીક દવાઓને પચાવી અર્થાત બ્રેક ડાઉન કરી જાણે છે. પણ જો તે પચાવી શકવામાં સમર્થ ન થાય અથવા આ એન્ઝાઇમની સદંતર ગેરહાજરી હોય તો ઔષધ ઔષધને બદલે શરીરમાં ઝેર રૂપે જમા થવા લાગે છે. કયારેક તેના કારણે મરણતોલ અણધાર્યુ પરિણામ પણ આવી શકે છે. જો કે કોઇ દુર્લભ જણમાં ‘ડીપીડી’ના નામથી ઓળખાતા આએન્ઝાઇમનો સદંતર અભાવ હોય છે. વધુ ઘટના એ પ્રકારની જોવા મળે છે કે આ જીનના ચાર ભાગમાં ટુકડા અથવા મ્યુટેશન થતું હોય છે. પરિણામે ડીપીડીના એન્ઝાઇમના ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય છે. આ ચાર વિભાજનમાંથી એક ભાગ પણ શરીરમાં હોય તો કિમોથેરપીની સારવાર કષ્ટદાયક બને છે. શરીરમાં આ પધ્ધતિએ કામ કરતા અનેક જીન્સ હોય છે જે ‘ફાર્માકોજીન્સ’ તરીકે ઓળખાય છે. તેઓનું સ્ક્રીનિંગ અથવા તપાસ કર્યા બાદ ઓષધો અપાય તો સારવાર સસ્તી, ઝડપી અને અસરકારક બને છે. 
ડૉકટરોમાં પણ હવે આ પ્રકારના ટેસ્ટનો આઇડિયા વધુ અને વધુ સ્વીકૃત બની રહ્યો છે. અમેરિકાની અનેક હોસ્પિટલોમાં લગભગ એકાદ ડંઝન જેટલા ફાર્માકોજીન્સના પરીક્ષણો બાદ જ દવા અપાય છે.  યુરોપના સાતેક દેશોમાં પણ આ પધ્ધતિ પ્રાયોગિક ધોરણે દાખલ કરવામાં આવી છે. કેન્સર અને એચઆઈવી એઇડસની ઔષધીય સારવાર શરૂ કરતા પહેલાં સબંધિત ફાર્માકોજીન્સનું પરીક્ષણ થવા માંડયું છે. તબીબો અને વિજ્ઞાનીઓની સંસ્થાઓ આવા પરીક્ષણોને એક ડઝન પરથી વિસ્તારીને 40 પ્રકારના ફાર્માકોજીન્સ આવરી  લેવાની હિમાયત કરી રહ્યા છે. કેટલાક દેશમાં તો સરકાર દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રોત્સાહ અપાઈ રહ્યા છે. જો કે, તેમાં 20 હજારનો અંદાજિત ખર્ચ આવી રહ્યો છે. કેટલાક દેશમાં તો તજજ્ઞો સરકારોને સલાહ આપી રહ્યા છે કે નવા બાળકો જન્મે તે તમામને આ ટેસ્ટમાંથી પસાર કરવામાં આવે, જેથી ભવિષ્યની પેઢી વધુ તંદુરસ્ત રહે.  સાથે જ આરોગ્ય વ્યવસ્થા પર અનાવશ્યક સારવારને કારણે ખોટું દબાણ નહીં આવે. જો કે ફાર્મા લોબી માટે ટૂંકા ગાળામાં આ વ્યવસ્થા નુકસાનકારક નિવડશે પણ લાંબા ગાળે ફાયદાકારક એટલા માટે બનશે કે દવાઓ અને તબીબો પર વિશ્વાસ વધશે. આવતા વરસથી યુકેની તમામ સરકારી હોસ્પિટલોમાં નવી પદ્ધતિથી સારવાર શરુ કરાશે. આ પ્રકારના જિનેટિક સ્ક્રિનિંગના અનેક ફાયદાઓ છે. માત્ર કઇ દવા કામ કરશે એટલું જ જાણી શકાતું નથી, પણ દવાની કેવી અસર પડશે? શરીરમાં તેના કારણે કેટલા ઝેરી તત્ત્વો ફેલાશે? 
દવા લિવરમાં કેવી રીતે પચશે ? શરીર તેને કેવી રીતે ગ્રહણ કરશે? દર્દીને કેટલી માત્રામાં દવા આપવાની રહેશે? વગેરે બાબતો અગાઉથી જ નક્કી કરી શકાશે.  અમુક પ્રકારના જિનેટિક સંસ્મરણો એક કરતાં અનેક દવાઓ પર નેગેટિવ અસર પાડતા હોય છે. કારણ કે, તેઓ અનેક કોમન એન્ઝાઇમ્સની પ્રકૃતિ બદલી નાખતા હોય છે. પરીક્ષણો બતાવે છે કે, લગભગ 99% લોકોમાં કમસેકમ એક ફાર્માકોજીનની અને 25% લોકોમાં ચાર ચાર ફાર્મકોજીનની હાજરી હોય છે. યુરોપની ગોરી અથવા કોકેસિયન પ્રજામાં 9% લોકોમાં ડીપીડીની ખામી હોય છે અને 200માંથી એક જણમાં આ એન્ઝાઇમનો સદંતર અભાવ હોય છે. એ જ રીતે જોઇએ તો બ્રિટનની 8% પ્રજાને “કોડીન’ નામની દવા લેવા છતાં પીડામાંથી રાહત મળતી નથી. ઘણાને પેરાસિટામોલ અસર કરતી નથી. કોડીન જેમને અસર ન કરે તેઓના શરીરમાં એ એન્ઝાઇમ જ હોતું નથી. જે કોડીનનું મોર્ફીનમાં રૂપાંતર કરીને તેને લોહીમાં ભેળવી શકે. ઊલટાનું કોડીનનું એવા પદાર્થના સ્વરૂપમાં રૂપાંતર થાય છે કે શરીરનાં દર્દ, પીડા પર તેની કોઇ અસર પડતી નથી. જીન્સ અને દવાના આવા 120 ક્જોડાં વિજ્ઞાનીઓએ હાલ સુધીમાં ઓળખી કાઢયાં છે જેઓને આપસમાં બનતું નથી. આમાંની લગભગ અડધા પ્રકારની દવાઓનો વિકલ્પ ઉપલબ્ધ છે. મતલબ કે 60 પ્રકારના કજોડામાંથી એકાદ દવા બદલવામાં આવે તો સારવાર આગળ વધી શકે છે. બ્રિટનમાં 70 % વૃધ્ધોમાં પણ આ ખામી દેખાવાનું શરૂ થયું છે જેમને કોઇકને કોઇક પ્રકારની દવાની અનુકૂળ અસર જણાતી નથી. બ્રિટનમાં જે દરદીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે અને અમુકને ફરી વાર દાખલ કરવા પડે છે તેનું મુખ્ય કારણ દવાનું રિએકશન હોય છે. દવા પોતે જ બીમારી લઇને આવે છે.