વિધાનસભામાં બીજા દિવસે પણ હોબાળો:લમ્પી વાઇરસ અંગે ચર્ચા કરવા અધ્યક્ષે સમય ના આપ્યો, વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો

September 22, 2022

અમદાવાદ : વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ સતત બીજા દિવસે ગૃહમાં હંગામો મચાવી શકે છે. કોંગ્રેસના 15 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આજે ગૃહ શરૂ થતાંની સાથે જ વિપક્ષ દ્વારા લમ્પી વાઇરસ અંગે ચર્ચા કરવા સમય માગવામાં આવ્યો હતો, પરંતુ અધ્યક્ષે સમય નહીં આપતાં વિપક્ષે હોબાળો કરીને વોકઆઉટ કર્યો હતો.

કોંગ્રેસે ગૃહમાં વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમજ ગૃહમાં મોંઘવારી સહિત લમ્પી વાઇરસ મુદ્દે ચર્ચા કરવા સમય માગ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ નક્કી કરેલા વિષય સિવાય મુદ્દો ઉઠાવતા અધ્યક્ષે ટકોર કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં 1 કલાકનો સમય છે ત્યારે ચર્ચા કરીશું. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગૃહમાં ન્યાય આપો, ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ વિધાનસભા ગૃહના ચોમાસુ સત્રનો બીજો દિવસ પણ હોબાળો શરૂ થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ લંપી વાઇયરસ અગે ચર્ચા માટે યોગ્ય સમય માગ્યો. જોકે પહેલાં સમય ન માગ્યો હોવાથી અધ્યક્ષે સમય ના આપ્યો. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વૉકઆઉટ કર્યો હતો.