લોકડાઉન તો ખુલ્યું પણ કાપડ બજારો મજૂરો વિના સુમસામ

June 04, 2020

અમદાવાદ. રાજ્યમાં લોકડાઉન-5માં મોટાભાગે દરેક વેપાર-ધંધા શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યાર કાપડ બજારને પણ ચાલુ કરવા માટે વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી હતી જેતે સ્વીકારી લેવામાં આવી છે. અને હવે અમદાવાદના કાપડ બજાર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ વેપારીઓ માટે પહેલા દિવસથી જ એક મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. પહેલા દિવસે દુકાનો ખુલવા પર ઓર્ડર તો આવ્યા પરંતુ માલ-સામાન પહોંચાડવા માટે મજૂરોની અછત ના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોના સંક્રમણને રોકવા માટે દેશભરમાં સસત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે મજૂરોનો રોજગાર બંધ થઈ જતા તેઓ પોતાના વતન પરત ફર્યા છે. બીજીતરફ કાપડ બજારમાંથી માલ-સામાન પહોંચાડવા માટે હાથલારી વાળાઓની જરૂર પડે છે પરંતુ તેઓ વતન પરત ફર્યા હોવાથી હવે સામાન કેવી રીતે પહોંચાડાય તે વેપારીઓ માટે મોટી ચિંતાનું કારણ બની ગયું છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વાર મજૂરોને પુરતી વળતર પણ ન મળવાના કારણે તેઓ અમદાવાદ પરત ફરશે કે કેમ તેની કોઈ શક્યતાઓ હાલ જણાતી નથી.

શહેરના ન્યુક્લોથ માર્કેટ આજથી શરૂ કરી દેવાયા છે. માર્કેટ શરૂ કર્યા પહેલા સમગ્ર એરિયાને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્કેટની 1350 જેટલી દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ મજૂરો ન હોવાથી સ્થિતિમાં વેપારીઓનું અનલોકના પહેલા દિવસે માત્ર 10 ટકા જેટલું કામ શરૂ થયું છે. કાપડ બજારમાં કામકાજ કરતા 60થી 70 ટકા મજૂરો ઉત્તર પ્રદેશ તેમજ બિહારના છે. પરત રોજગારી બંધ થઈ જતા તેઓ પોતાના વતન પરત ફર્યા છે.