કેનેડામાં 2006 બાદ 2020માં સૌથી ઓછો જન્મ દર : અહેવાલ

October 04, 2021

  • 2019 કરતા પણ 2020માં 13000 ઓછા બાળકોનો જન્મ થયો, બે મહિનામાં ઘરોમાં બાળકોના જન્મનું પ્રમાણ 20% રહ્યું  
ટોરોન્ટો : સ્ટેટિકસ કેનેડાના એક અહેવાલ મુજબ 2020માં કેનેડાનો વાર્ષિક જન્મ દર 2006 કરતા ઘણો નીચો રહ્યો હતો. 2019 કરતા 13000 ઓછા બાળકોનો જન્મ થયો છે. ગયા વર્ષે દેશભરમાં 3,58,604 બાળકો જન્મ્યા હતા. જેમાં યુકોનનો સમાવેશ થતો નથી. મંગળવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સ્ટેટ કેન તરફથી જન્મ દર ઘટવા બાબતે જણાવ્યું હતું કે, 2016થી રાષ્ટ્રીય ધોરણે જન્મદરમાં ઘટાડો થઇ રહ્યો છે. આ વર્ષે 2019 કરતા નોંધપાત્ર ઘટાડો થયો હતો અને આશરે 3,72,000 બાળકોનો જન્મ થયો હતો.સ્ટેટ કેને નોંધ્યું હતું કે, 2020ના જન્મના આંકડા હજુ પ્રાથમિક તબક્કાના છે અને આગળ જતા તેમાં સુધારો થવાની શક્યતા છે. આ સંસ્થાએ જણાવ્યું હતું કે, 2020માં જન્મદર ઘટવાના અનેક કારણો છે. કોવિડ-19ના રોગચાળાના કારણે આંતરરાષ્ટ્રીય વસાહતીઓનો ઘટાડો થયો હતો અને પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેને પરિણામે નવા માતા-પિતાઓમાં જન્મનો દર નીચો રહ્યો હતો.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19 રોગચાળા સિવાય શાળાઓ અને ડે-કેર બંધ રહેતા નોકરી ગુમાવનારાઓ આર્થિક અચોક્ક્સતામાં મુકાઈ ગયા હતા. તેના કારણે કેટલાક પરિવારોએ બાળકોને જન્મ આપવાનું મુલ્તવી રાખ્યું હતું અને તેથી જન્મ દર ઘટયો છે.અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અન્ય દેશોમાં પણ 2020ના વર્ષ દરમિયાન જન્મ દર ઘટયો છે. અમેરિકામાં જન્મદરમાં 4%નો ઘટાડો થયો હતો. જયારે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 2019 કરતા 2020માં જન્મદરમાં 3.9%નો ઘટાડો થયો હતો. કેનેડામાં છેલ્લા 20 વર્ષ દરમિયાન વર્ષ 2016માં જન્મનું પ્રમાણ સૌથી વધુ હતું અને આશરે 3,83,000 બાળકોનો જન્મ થયો હતો. બીજું એક નોંધપાત્ર પાસું એ છે કે, 2020માં હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. 
હોસ્પિટલ સિવાય બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધીને 2.1% એટલે કે 7,606 થયું હતું. જે એક દાયકા કરતા પ્રમાણમાં ઘણો ઊંચો દર છે. રાજ્ય કક્ષાએ ઓન્ટેરિયો અને આલ્બર્ટામાં બાળકોને ખાનગીમાં જન્મ આપવાનું પ્રમાણ ભારે ઓછું રહ્યું હતું. કોવિડનો પ્રારંભ થતા સાથે જ હોસ્પિટલ સિવાય ખાનગીમાં મોટાપાયે બાળકોના જન્મ થયા હતા. સ્ટેટ કેને નોંધ્યું હતું કે એપ્રિલથી મે 2020 સુધી હોસ્પિટલ સિવાય ઘરોમાં 1526 બાળકોનો જન્મ થયો હતો. તેનો અર્થ એ થયો કે, ઘરોમાં બાળકોના જન્મનું પ્રમાણ 20% થયું હતું. આ છેલ્લા બે મહિનાના આંકડા છે. આ ફેરફાર સૂચવે છે કે, મહિલાઓ પોતાને ઘરે બાળકોને જન્મ આપવાનું વધુ પસંદ કરે છે. 2015થી 2019માં હોસ્પિટલમાં જન્મનાર બાળકોનું પ્રમાણ ઘટયું હતું અને 2020માં એ પ્રમાણ વધુ નીચે ગયું હતું.