ઝારખંડમાં બુદ્ધ પહાડ ખાતેથી માઓવાદીઓનો સફાયો કરાયો

September 23, 2022

ઝારખંડમાં બુદ્ધ પહાડ ખાતેથી માઓવાદીનો સફાયો કરાયો છે તેમ કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. તેમણે આ ઘટનાને દેશની આંતરિક સુરક્ષા માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. બુદ્ધ પહાડ અને તેની આસપાસના વિસ્તારોમાં માઓવાદીઓ - નક્સલવાદીઓએ છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી વર્ચસ્વ જમાવ્યું હતું.

ઓપરેશન ઓક્ટોપસ હેઠળ આ વિસ્તારમાંથી માઓવાદીઓને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવ્યા છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં સુરક્ષા દળોએ ડાબેરી ઉગ્રવાદીઓનો સફાયો કરવામાં અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. આ માટે CRPF તેમજ સુરક્ષા દળો અને ત્રણ રાજ્યોનાં પોલીસદળને તેમણે અભિનંદન આપ્યા હતા.

સુરક્ષા દળોએ નક્સલીઓનાં ટોચનાં કમાન્ડરો અરવિંદ સિંહ ઉર્ફે દેવ કુમાર, સુધાકરન, મિથિલેશ માહતો, વિવેક આર્ય તેમજ પ્રમોદ મિશ્રા અને વિમલ યાદવ જેવા ખૂંખાર નક્સલીઓને ઠાર કર્યા હતા અથવા તો ખદેડી મૂક્યા હતા.

ઝારખંડ, તેલંગણા અને છત્તીગસઢની પોલીસ દ્વારા નક્સલીઓનો સફાયો કરવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરાયું હતું. બુદ્ધ પહાડ, ચક્રબંધ અને ભીમબંધનાં દુર્ગમ વિસ્તારોમાં માઓવાદીઓને ખદેડીને પહેલીવાર સુરક્ષા દળોનાં કાયમી કેમ્પ નાંખવામાં આવ્યા છે.