વિકાસની વાતો વચ્ચે મોદી સરકારની ચિંતા વધશે, વર્લ્ડ બેંકના આંકડા નિરાશાજનક

December 06, 2022

બાહ્ય વાતાવરણની ખરાબ પરિસ્થિતિ વચ્ચે ભારતના નાણાકીય વર્ષ 2022-23માં વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન(GDP) વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વૃદ્ધિ દર ઘટીને 6.9% થવાનો અંદાજ છે. વર્લ્ડ બેંકે તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ અહેવાલમાં આ જાણકારી આપી છે. આ અંદાજ 2021-22 માટે 8.7% ની સરખામણીમાં ખુબ ઓછો માનવામાં આવી રહ્યો છે. અગાઉ, સ્વિટ્ઝર્લેન્ડની બ્રોકરેજ કંપની UBS ઇન્ડિયાએ પણ 2022-23માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ઓગસ્ટે તાનો કૌમે, હાલ વિશ્વબેન્કના એક અધિકારી છે તેમણે કહ્યું કે, ભારત ખૂબ મહત્વાકાંક્ષી છે. સરકારે અર્થવ્યવસ્થાને સ્થિતિસ્થાપક બનાવવા માટે ઘણી વસ્તુઓ કરી છે અને અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.
વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહ્યા છે. જેની સીધી અસર દેશના કુલ સ્થાનિક ઉત્પાદન પર પડે છે. આ ઉપરાંત ચીનમાં કોરોના લોકડાઉનને કારણે, સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન પર ખરાબ અસર થઈ છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં મંદીનો ભય વધી ગયો છે. કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)એ દેશમાં એક વર્ષમાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું કુલ મૂલ્ય છે. જીડીપી આર્થિક પ્રવૃત્તિનું સ્તર દર્શાવે છે અને તે દર્શાવે છે કે કયા ક્ષેત્રોમાં વૃદ્ધિ અથવા ઘટાડો થયો છે. ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જીડીપીનો અંદાજ છે.